નવી દિલ્હી, તા.ર4 : દેશની બે
નામી કંપનીની લડાઈ કોર્ટના દ્વારે પહોંચી છે. પોતાનાં અનેક ઉત્પાદનો માટે જાણીતી કંપની
ડાબરે યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ હાઇ કોર્ટમાં ફરિયાદ કરી તેની
જાહેરાત પર રોક લગાવવાની માગ કરી છે. ડાબર તરફથી રજૂ થયેલા વકીલ સિબ્બલે દલીલ કરી કે
પતંજલિ આયુર્વેદ એક આદતન અપરાધી છે. આરોપ છે કે પતંજલિએ પોતાની જાહેરખબરમાં કથિત રીતે
તેના ચ્યવનપ્રાશ જેવા ઉત્પાદનો પર અપમાજનક પ્રચાર કર્યો છે. અરજીમાં ડાબરે પતંજલિની
જાહેરખબર પર તુરંત રોક લગાવવાની માગ કરી છે. ડાબરની અરજી પર હાઇ કોર્ટે પતંજલિને નોટિસ
જારી કરી છે. જાન્યુઆરીનાં અંતિમ સપ્તાહમાં આ મામલે સુનાવણી થઈ શકે છે. ઉલ્લેખનીય છે
કે બાબા રામદેવ પતંજલિની એક જાહેરાતમાં કહે છે કે, ‘જેમને આયુર્વેદ અને વેદોનું જ્ઞાન
નથી, ચરક, સુશ્રુત, ધન્વંતરિ અને ચ્યવન ઋષિની પરંપરામાં અસલી ચ્યવનપ્રાશ કેવી રીતે
બનાવશે ? ’ આવી જાહેરખબર સામે ડાબરે વાંધો ઉઠાવ્યો છે.