ચાની હોટલમાં કામ કરતા યુવાનના બેંક ખાતામાં બેલેન્સ માત્ર 475 રૂપિયા
જીવનમાં
ક્યારેય પાંચ લાખ રૂપિયા પણ જોયા નથી, ત્રીજી વખત આવી નોટિસ મળી છે: આસીફ શેખ
વેરાવળ,
કોડિનાર, તા.15 : ગીર સોમનાથના કોડિનારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંની
એક સામાન્ય હોટલમાં કામ કરતા કર્મચારીને ઇન્કમટેક્સ વિભાગે રૂ. 115 કરોડની નોટિસ ફટકારી
છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
કોડીનાર
બસ સ્ટેન્ડ નજીક આવેલા શિવપરોઠા હાઉસમાં નોકરી કરતા આસીફ મહમદ શેખને વેરાવળ ઇન્કમટેક્સ
વિભાગે રૂ. 115 કરોડની નોટિસ મોકલી છે. હોટલના માલિક પલવેશ મોરીના જણાવ્યા મુજબ, આસીફ
માત્ર રૂ. 10 હજારના માસિક પગારથી નોકરી કરે છે.
આસીફ શેખે જણાવ્યું કે તેમણે જીવનમાં ક્યારેય પાંચ લાખ રૂપિયા પણ જોયા નથી.
તેમના બેંક એકાઉન્ટમાં માત્ર 475 રૂપિયાની રકમ જમા છે. આ ત્રીજી વખત છે જ્યારે તેમને
આવી નોટિસ મળી છે.
આ મામલે
આસીફ શેખ દ્વારા પોલીસ સ્ટેશનમાં તપાસ માટે અરજી કરી છે. આ ઘટના આઇટી વિભાગનો છબરડો
છે કે કોઈ મોટું કૌભાંડ તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
વેરાવળ
ઇન્કમટેક્સ વિભાગના અધિકારી મદન લાલાએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
તેમણે જણાવ્યું કે આ અંગત મામલો છે અને માત્ર સંબંધિત વ્યક્તિ સાથે જ આ અંગે વાત કરી
શકાય.
બીજી
તરફ આ પ્રકરણમાં એક મહત્ત્વપૂર્ણ વાતએ પણ સામે આવી છે કે આસીફ મહમદ શેખના પાન કાર્ડ
નંબર પર થયેલા આર્થિક વ્યવહારને આધારે વેરાવળ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ નોટિસ ફટકારવામાં
આવી હોય શકે ત્યારે જેમ ઓટીપી કે આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ ખુબ જ મહત્ત્વપૂર્ણ
ડોક્યુમેન્ટ છે. કોઈ પણ નાગરિકે પોતાના પાન કાર્ડની ગુપ્તતા પણ જાળવવી જોઈએ. જો તમારા
પાન કાર્ડ નંબર કોઈ કૌભાંડીના હાથે ચડી જાય તો તમારી જાણ બહાર મોટા આર્થિક વ્યવહાર
થઈ શકે છે. હાલ તો આ પ્રકરણમાં આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે? કોઈ કૌભાંડ સામે
આવે છે કે કેમ ? તે તરફ સહુની મીટ મંડાયેલી છે.