• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

અમદાવાદના જૈન દેરાસરમાંથી પૂજારીએ કટકે કટકે 117 કિલો ચાંદી ચોરી લીધી હતી

1.64 કરોડની ચાંદીની ચોરી કરનાર પૂજારી મેહુલ રાઠોડ સહિત પાંચ ઝડપાયા : અઢી વર્ષથી થોડી થોડી ચાંદી ચોરી જતો હતો !

અમદાવાદ, તા. 19: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલી 1.64 કરોડની કિંમતના ચાંદીના દાગીના અને જડતરની ચોરી કરનાર મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત ચોરીમાં સંડોવાયેલા અને ચોરીના માલનો વહીવટ કરનાર વેપારીઓ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું કે, છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતા મેહુલે છેલ્લા અઢી વર્ષમાં કટર વડે કાટિંગ કરીને 117 કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી લીધી હતી.

 ચોરીના માલની ઓળખ ન થાય તે માટે વહીવટ કરનાર બે વેપારીઓ ચોરીનું ચાંદી ગાળીને તેના બદલે નવું ચાંદી ખરીદી લેતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી, રોકડ અને બોલેરો પીકઅપ કબજે કર્યા છે.

પાલડીમાં લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થોડા સમય અગાઉ દેરાસરના પૂજારી અને સફાઈ કર્મચારી દંપત્તિએ કુલ 1.64 કરોડ રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. જે કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ચોરી કરનાર મુખ્ય આરોપી મેહુલ અને કિરણ ફરિયાદ થતાં જ ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બોલેરો પીકપ સાથે તથા ચોરીના ચાંદી સાથે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

 આરોપી મેહુલની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, અઢી વર્ષ પહેલા મૂર્તિઓની પાછળ જીવાત થતી હોવાથી દેરાસરના ટ્રસ્ટીઓની સૂચના મુજબ મૂર્તિની પાછળનું ચાંદીનું જડતર ઉતારી દેરાસરને નીચેના ભાગે આવેલા ભોયરામાં મૂકી રાખવામાં આવ્યું હતું જેની ચાવી મેહુલ પાસે હતી. તેથી મેહુલ ત્યારથી જ કટર વડે કટીંગ કરી ચાંદી ચોરી કરતો હતો અને સફાઈ કર્મચારી કિરણની મદદથી આ ચાંદી મંદિર બહાર લઈ જતા હતા. મેહુલ ચોરી કરેલું ચાંદી કટર વડે કટીંગ કરીને રોનક શાહ અને સંજય જાગરિયા નામના આરોપીને વેચી દેતો હતો.

ટુકડે ટુકડે મંદિરનું તમામ જડતર મેહુલે વેપારીઓ રોનક શાહ અને સંજયને વેચી દીધું હતું. આ જડતર પૂરું થયા બાદ ભગવાનના કુંડળ, મુકુટ અને આંગી પણ મેહુલે ચોરીને રોનક તથા સંજયને વેચી દીધી હતી. ચોરી થયેલા ચાંદીની ઓળખ ના થાય તે માટે તેને ગાળવા આપીને તેના પૈસા મેળવી લેતા હતા અને તેની સામે જ નવું ચાંદી પણ ખરીદી લેતા હતા. આરોપીઓએ બે વર્ષમાં 117 કિલોથી વધુ ચાંદીની ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી 48 કિલો ચાંદી રિકવર કર્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક