માર્કેટ યાર્ડમાં હવે એક સપ્તાહનું મિનિ વેકેશન, મગફળીમાં દોઢથી બે લાખ ગુણીના સોદા થઈ શકે
રાજકોટ,
તા.19: કોમોડિટીઝ બજારમાં દિવાળીના દિવસે મુહૂર્તના વેપારો કરવાની પરંપરા જળવાયેલી
છે. સોમવારે સાંજે વેપારીઓ દિવાળીના મુહૂર્તના સોદા થશે. સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી,
સીંગતેલ, કપાસિયા તેલ, સીંગદાણા, કપાસિયા અને ખોળમાં મુહૂર્તના સોદા પાડવામાં આવશે.
માર્કેટ યાર્ડમાં શનિવારથી રજા પડી ગઈ છે. જેથી બજારમાં હવે સુસ્તીનો માહોલ હતો. હવે
લાભપાંચમ બાદ સોમવારથી યાર્ડ શરૂ થયા બાદ વેપારો
ધમધમશે.કૃષિચીજોની બજારમાં શનિવારથી યાર્ડ બંધ થઈ જતા રજાનો માહોલ બની ગયો છે. જોકે
બજારોમાં ખરીદી માટે હકડેઠઠ મેદની જોવા મળી રહી છે. દિવાળીની ખરીદી માટે લોકોમાં અનેરા
ઉત્સાહથી વેપારીઓ પણ ખુશ છે. આવતીકાલે સોમવારે દિવાળીના વેપારીઓ ચોપડા પૂજન સાથે નવા
વર્ષના વેપારો શરૂ કરશે. આ સાથે સૌરાષ્ટ્રમાં સીંગતેલ, કપાસિયા તેલ, કપાસ, મગફળી અને
સીંગદાણામાં મુહૂર્તના સોદા પડશે.
સીંગતેલ
લૂઝમાં રૂ.1375-1400 આસપાસ અને કપાસિયા વોશમાં રૂ. 1250-1275 આસપાસના ભાવથી મુહૂર્તના
સોદા કરવામાં આવે તેવી શક્યતા છે.
મગફળીનું
ઉત્પાદન ચાલુ વર્ષે પણ ગત વર્ષની જેમ મોટાપાયે થવાનું છે. મગફળીની આવક દિવાળીની રજાઓ
પૂર્વે યાર્ડમાં રોજની ત્રણેક લાખ ગુણીએ પહોંચી ગઈ હતી. જાડી મગફળીમાં રૂ. 1160-1170
અને ઝીણી મગફળીમાં રૂ. 1300-1310 આસપાસના ભાવે સોદા થાય એવી સંભાવના છે. મગફળીમાં અંદાજે
દોઢથી બે લાખ ગુણીના સોદા થશે.
કપાસની
આવક પણ રજા પૂર્વે ત્રણ લાખ મણને આંબી ગઈ હતી. કપાસમાં સ્થાનિકના રૂ. 1525 અને રાજ્ય
બહારના કપાસના રૂ. 1451ના ભાવે મુહૂર્ત થઈ શકે છે. રૂ બજારમાં પણ સોદા થશે. રૂમાં અગાઉ
50 હજાર ગાંસડી જેટલા સોદા થતા હતા. જોકે હવે વેપારીઓનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો હોવાથી
વેપારીઓ માત્ર મુહૂર્ત સાચવવા પૂરતા કામકાજ કરે છે. સંકર ગાંસડીમાં રૂ. 52,500 આસપાસનાં
ભાવે 5-10 હજાર ગાંસડીના કામકાજ થઈ શકે છે. કપાસિયામાં રૂ. 750-785 અને કપાસિયા ખોળમાં
1950-1981માં મુહૂર્ત થવાની શક્યતા છે.