અમેરિકી રિપોર્ટ બાદ ચોક્કસ લક્ષ્યોને નિશાન બનાવી હુમલો
તેલ અવીવ, તા.19 : યુદ્ધ વિરામ
વચ્ચે ઇઝરાયલી સૈન્યએ રવિવારે દક્ષિણ ગાઝાને ફરી એકવાર ધણધણાવ્યું હતુ. ચોક્કસ લક્ષ્યો
પર હવાઈ હુમલા અને તોપમારો કરાયો હતો જેનાથી એવી આશા ધૂંધળી થઈ ગઈ હતી કે અમેરિકાની
મધ્યસ્થીથી યુદ્ધવિરામ કાયમી શાંતિ તરફ દોરી જશે.
અમેરિકા અને ઇઝરાયલે પેલેસ્ટિનિયન
આતંકવાદી જૂથ હમાસ પર ગાઝામાં ઈઝરાયલી સૈનિકો અને નાગરિકોને નિશાન બનાવાઈ રહ્યાનો આરોપ
લગાવ્યો છે. રવિવારે ઇઝરાયલના હુમલા પહેલા જ નાજુક સ્થિતિ હતી જે 11 ઓક્ટોબરથી અમલમાં
આવી હતી. ઇઝરાયલની સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવા હુમલામાં રાફા વિસ્તારમાં
આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમણે તેના સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. તેણે
કહ્યું હતું કે હુમલાઓમાં ટનલ અને લશ્કરી ઇમારતોનો નાશ થયો હતો. ઇઝરાયલી વડાપ્રધાન
નેતન્યાહૂએ કહ્યું હતું કે ઇઝરાયલ તેના સૈનિકો પર હમાસના હુમલાઓનો જોરદાર જવાબ આપશે.
હમાસની સશસ્ત્ર પાંખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સમગ્ર ગાઝામાં યુદ્ધવિરામ કરાર
પ્રત્યે પ્રતિબદ્ધ છે, તે રાફામાં થયેલી અથડામણોથી અજાણ છે અને માર્ચથી તે ત્યાંના
જૂથો સાથે સંપર્કમાં નથી.