• સોમવાર, 20 ઑક્ટોબર, 2025

અયોધ્યાનો અદ્વિતીય દીપોત્સવ : નવમીવાર વિશ્વવિક્રમ

વિશ્વ વિક્રમી 26.11 લાખ દીવડાથી ઝગમગી અયોધ્યા નગરી : સરયૂ કાંઠે આરતીનો પણ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

અયોધ્યા, તા. 19 : અયોધ્યાની પાવન ધરતી ઉપર ભક્તિ, પ્રકાશ અને સંસ્કૃતિના મહાન ઉત્સવ ‘અયોધ્યા દીપોત્સવ 2025’ની શરૂઆત થઈ ચુકી છે.આ દરમિયાન અયોધ્યાના નામે બે વિશ્વ કીર્તિમાન નોંધાયા છે. પહેલા રામ કી પૈડીના 56 ઘાટ ઉપર 26.11 લાખ દીવા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. ડ્રોન મારફતે દીવાની ગણતરી કર્યા બાદ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી સ્વપ્નિલ દંગારીકર અને કંસલ્ટન્ટ નિશ્ચલ બારોટે નવા કીર્તિમાનની ઘોષણા કરી હતી. સતત નવમી વખત દીવા પ્રજ્વલિત કરવાનો રેકોર્ડ બન્યો છે. આ દરમિયાન બીજો રેકોર્ડ સરયૂ આરતીનો બન્યો હતો. જેમાં એક સાથે 2100 વેદાચાર્યોએ ભાગ લીધો હતો. આ અનોખો રેકોર્ડ યોગી સરકારે બીજી વખત કર્યો છે.

દીપોત્સવના દુર્લભ દ્રશ્યોને જોવા માટે દેશના દરેક ખુણેથી લોકો ઉમટયા હતા. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. દીપોત્સવ બાદ ભવ્ય આતશબાજી અને ડ્રોન શો પણ થયો હતો. ગિનીઝ બુકની 75 સભ્યની ટીમ દ્વારા સરયૂના 56 ઘાટ ઉપર દીવાની   ગણતરી કરી હતી. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામકથા પાર્કના મંચ ઉપર ભગવાન શ્રીરામને રાજતિલક કર્યું હતું. શ્રીરામ રાજ્યાભિષેક સમારોહ દરમિયાન રામકથા પાર્ક જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠયો હતો. સીએમ યોગીએ શ્રીરામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને ગુરૂ વશિષ્ઠનું પણ તિલક કરીને માલ્યારોપણ કર્યું હતું અને આરતી કરી હતી. આ દરમિયાન રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિત રામનગરીના સંત મહંતોએ ભગવાન સ્વરૂપોની આરતી ઉતારી હતી. રામકથા પાર્કમાં હજારોની સંખ્યામા સંત, મહંત, શ્રદ્ધાળુ અને પર્યટકો હાજર રહ્યા હતા.

દીપોત્સવના અવસરે અયોધ્યા ધામ ક્ષેત્રમાં વ્યવસ્થા જાળવી રાખવા માટે ઘણા સ્થળોએ ડાયવર્ઝન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત દીપોત્સવ સકુશળ સંપન્ન કરાવવા લગભગ 10 હજાર જવાનોએ સુરક્ષાની કમાન સંભાળી હતી. ગુપ્તચર એજન્સીઓ દ્વારા પણ દરેક હિલચાલ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક