આતંકનો પર્યાય રેડ કોરિડોર સાફ થવાની નજીક, નિર્ણાયક તબક્કામાં લડાઈ
નવી દિલ્હી તા.19 : દેશમાં માઓવાદી
આતંકવાદ સામે દાયકાઓથી ચાલી આવતી લડાઈ હવે
નિર્ણાયક તબક્કામાં છે. ગૃહ મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર 2014 માં માઓવાદી
આતંકવાદથી પ્રભાવિત 182 જિલ્લાઓની સરખામણીમાં ઓક્ટોબર 2025 માં આતંક ફક્ત 11 જિલ્લાઓ
સુધી સીમિત રહ્યો છે. મંત્રાલયે આશા વ્યક્ત કરી કે 31 માર્ચ, 2026 સુધીમાં રેડ કોરિડોર
ભૂતકાળ બની જશે.
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં
છેલ્લા પાંચ દાયકાથી નક્સલવાદનો ભોગ બનેલા ઘણા જિલ્લાઓ અને ગામડાઓ હવે અભૂતપૂર્વ વિકાસ
અને પ્રગતિ જોઈ રહ્યા છે. આ જિલ્લાઓ હવે હિંસા દ્વારા નહીં પરંતુ વિકાસ દ્વારા ઓળખાય
છે. ગૃહ મંત્રાલય અનુસાર છેલ્લા 75 કલાકમાં 303 નક્સલવાદી કેડરોએ આત્મસમર્પણ કર્યું
છે. શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એ દિવસ દૂર નથી
જ્યારે દેશ નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે અને આ વર્ષે માઓવાદી આતંકવાદથી મુક્તિની
ઉજવણી કરવા માટે આ વિસ્તારોમાં દિવાળી સાચી ભાવનાથી ઉજવવામાં આવશે. તેમણે કોંગ્રેસ
પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસના શાસન દરમિયાન શહેરી નક્સલવાદીઓની
એક આખો ઇકોસિસ્ટમ કાર્યરત હતી.