-આરોપી દંપતીએ મગફળી અને તેલનો માલ ન મોકલી અમેરિકન ડોલર ટ્રાન્સફર કરાવી લીધા
ગોંડલ,
તા. 2: ગોંડલના દંપતીએ ઇરાકના બગદાદમાં રહેતા વેપારી સાથે રૂપિયા 1.63 કરોડની છેતરાપિંડી
કર્યા અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોંડલમાં રહેતા
આ દંપતીએ પોતે ઈમ્પોર્ટ- એક્સપોર્ટનો વ્યવસાય કરતા હોવાનું કહી મગફળી અને તલનો માલ
એક્સપોર્ટ કરવા માટે બગદાદના વેપારી પાસેથી અમેરિકન ડોલરમાં રકમ ટ્રાન્સફર કરાવી લીધા
બાદ આ માલ ન મોકલી છેતરાપિંડી આચરી હતી.
મળતી વિગતો મુજબ, તમિલનાડુના મદુરાઈમાં રહેતા રામકુમાર
નાગનાથ (ઉં.વ. 49) દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં
આરોપી તરીકે ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને કર્તવ્ય ઇનકોર્પોરેશન પેઢીના સંચાલક સોનલ
પટેલ તથા તેના પતિ પૂર્વીશ પટેલના નામ આપ્યા છે. રામકુમાર નાગનાથે ફરિયાદમાં જણાવ્યું
હતું કે, તેઓ લીગલ કન્સલ્ટન્ટ તરીકેનું કામ કરે છે ઇરાકના બગદાદમાં વાદી અલશાહદ કંપની
ફોર જનરલ ટ્રાડિંગ કંપની લિમિટેડના માલિક અબ્દુલ્લા રજાક રાધીની કંપનીનું ભારતમાં તેઓ
ઉપરાંત મહંમદ યુસુફ અંસારી (રહે. રાજલક્ષ્મીનગર પુનાગ્રામ) છેલ્લા પાંચ વર્ષથી લીગલ
કામકાજ સંભાળે છે. અબ્દુલ્લા રાધીએ ફરિયાદી તથા મોહમ્મદ અંસારીને ફરિયાદ કરવા માટે
પાવર ઓફ એટર્ની કરી આપી છે.
ઇરાકના
વેપારી અબ્દુલ્લા રાધીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, વર્ષ 2025 ના પહેલા મહિનામાં તેઓને
ભારતીય મોબાઈલ નંબર પરથી વોટસએપ મેસેજ અને કોલ આવ્યો હતો અને કોલ કરનાર મહિલાએ પોતે
સોનલ પટેલ ગુજરાતના હોવાનું જણાવ્યું હતું અને પોતે તલ તેમજ મગફળીના મોટા વેપારી હોવાનું
જણાવ્યું મોટા મોટા દેશમાં વેપાર ધંધો અને એક્સપોર્ટ કરતા હોવાનું કહ્યું હતું અને
કંપનીના જીએસટી સર્ટી તથા એક્સપોર્ટના સર્ટી. વોટસએપ પર મોકલ્યા હતા. તેણે વાત કરી
હતી કે, તે તથા તેના પતિ ઉર્વીશ પટેલ સાથે મળી કર્તવ્ય ઇનકોર્પોરેશન નામની પેઢી જે
ગાયત્રીનગર પાંચ ગોંડલમાં આવેલી છે. તેમાં તલ, મગફળીનો મોટો વેપાર કરે છે તેમની વાત
પર વિશ્વાસ આવી જતા બગદાદના વેપારીએ મગફળી અને તલ ખરીદવાનું નક્કી કર્યું હતું. તા.
12/2 ના રોજ તે માટેનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.
બગદાદના
અબ્દુલ્લા રજાક રાધીએ 108 મેટ્રિક ટન મગફળી માટે 1,03,680 ડોલર અને 54 મેટ્રિક ટન તલ
માટે 84,240 મળી કુલ 1,87, 920 અમેરિકન ડોલર સોનલ પટેલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા
હતા. બાદમાં માલ મોકલવા માટે કહેતા તે બહાનાબાજી કરવા લાગ્યા હતા. જેથી તેમને કા પૈસા
પરત આપો અથવા માલ મોકલો તેમ કહેતા હું માલ મોકલી આપું છું તેમ જણાવ્યું હતું. પરંતુ
પૈસા કે માલ ન આપતા અંતે બગદાદના આ વેપારીએ તેનું લીગલ કામકાજ સંભાળતા ફરિયાદી રામકુમાર
તથા યુસુફ અંસારીને વાત કરી હતી આ બાબતે તેઓને રામકુમારે તેમને ફરિયાદ કરવાનું કહેતા
કહ્યું હતું ફરિયાદ નોંધાવા ફરિયાદી અને યુસુફભાઈને પાવર ઓફ અટર્ની કરી આપી હતી. જેથી
આ બાબતે મહંમદ યુસુફભાઈ અન્સારીએ ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોનલ અને તેના પતિ
પૂર્વીશ વિરુદ્ધ અરજી કરતા સોનલે તારીખ 5/8 ના મોહમ્મદ યુસુફ અન્સારીની પેઢી એ એમબી
ફર્સ્મ એન્ડ ફૂડ્સ ઇન્ટરનેશનલમાં રૂ. 3 લાખ જમા કરાવ્યા હતા અને બાકીની રકમ ચૂકવી આપવાની
ખાતરી આપી હતી. જેથી અરજી ફાઇલ કરાવી હતી પરંતુ ત્યારબાદ બાકીની રકમ આજદિન સુધી ન ચૂકવતા
અંતે ગોંડલમાં પેઢી ધરાવનાર સોનલ પટેલ અને તેના પતિ ઉર્વીશ પટેલ સામે મગફળી અને તલના
માલ માટે 1,87, 920 અમેરિકન ડોલર જેની ભારતીય ચલણ મુજબ કિંમત રૂપિયા 1,63,79,621 થતી
હોવાથી તે મેળવી માલ ન મોકલી છેતરાપિંડી- વિશ્વાસઘાત કર્યા અંગે ગોંડલ બી ડિવિઝન પોલીસ
સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.