• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

રાજકોટ નજીક છાપરામાં 35 હેક્ટરમાં મોટો ફૂડ પાર્ક બનશે

રાજકોટ વાઇબ્રન્ટ સમિટ પૂર્વે ફૂડ પાર્કના પ્લાનનું અનાવરણ

અમદાવાદ, તા. 3 (ફૂલછાબ ન્યૂઝ): કૃષિ ક્ષેત્ર માટે સૌરાષ્ટ્ર વિસ્તાર હબ છે. કૃષિ ક્ષેત્ર વધુ આગળ ધપે એ માટે રાજકોટ નજીક છાપરા ગામમાં નવો એગ્રો ફૂડ પાર્ક સ્થપાઇ રહ્યો છે. જીઆઇડીસી દ્વારા નિર્મિત આ પાર્કનું અનાવરણ કરવામાં આવ્યું છે. જાન્યુઆરીમાં યોજાનારી પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટમાં ફૂડ પાર્કનો ભરપૂર પ્રચાર કરીને રોકાણ આકર્ષવામાં આવશે.

છાપરામાં 35 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવનાર ફૂડ પાર્કને સૌરાષ્ટ્રના નવા લોજિસ્ટિક્સ પાવરહાઉસ તરીકે જોવામાં આવે છે. તેની ભૂગોળીય સ્થિતિ ઉદ્યોગક્ષેત્ર માટે  અનુકૂળ છે. રસ્તા તથા રેલ માર્ગે પરિવહન નજક છે.હીરાસર એરપોર્ટની કનેક્ટિવીટી પણ સીધી છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પણ નજીક છે. કંડલા બંદર 200 કિલોમીટરે છે એટલે આ સ્થાન વ્યૂહાત્મક છે.

જીઆઇડીસી  દ્વારા પાર્કમાં આધુનિક ઔદ્યોગિક માળખું ઊભું કરવામાં આવશે, જેમાં સુવ્યવસ્થિત આંતરિક માર્ગવ્યવસ્થા, પીવાલાયક પાણી, સતત વીજ પુરવઠો અને ગેસ પાઇપલાઇન જેવી મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, એડમિન કોમ્પ્લેક્સ, કોમન ફેસિલિટી સેન્ટર (ઈBિઍ), સ્ટ્રીટ લાઇટિંગ જેવી વ્યવસ્થાઓ પાર્કની દરેક જરૂરિયાતને પહોંચી વળશે. ફૂડ પ્રોસાસિંગ ઉદ્યોગમાં ગુણવત્તા નિયંત્રણ હંમેશા મુખ્ય પરિબળ હોય છે, એ વાતને અનુરૂપ અહીં આધુનિક લેબોરેટરી, રિસર્ચ અને ટેસ્ટિંગ સુવિધાઓ સ્થાપિત થવાની છે. સાથે જ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ અને અન્ય લોજાસ્ટિક્સ સુવિધાઓ ઉત્પાદન, સંભાળ અને પુરવઠા શૃંખલાને વધુ કાર્યક્ષમ બનાવશે.

છાપરા ઉપરાંત મુડેથા (બનાસકાંઠા)માં પણ આવો ફૂડ પાર્ક બનશે. જ્યાં સામુહિક રીતે રૂ. 500 કરોડનું રોકાણ લાવવામાં આવશે. આશરે 30 હજાર નોકરીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સર્જાશે.

ગુજરાતમાં કેળા, બટાટા, બાજરી અને ભીંડા જેવા પાકોના કુલ 20 કૃષિ ક્લસ્ટર્સ સાથે રાજ્યમાં કૃષિ ઉત્પાદનની વિશાળ ક્ષમતા છે. જામનગર, દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ખાદ્ય પ્રોસાસિંગ ક્ષેત્રે પહેલેથી જ મજબૂત હાજરી છે. રાજકોટ તો ખાદ્ય પ્રોસાસિંગ અને આનુષંગિક ઉદ્યોગો માટે જાણીતું કેન્દ્ર છે, જ્યાં બાલાજી વેફર્સ રાષ્ટ્રીય સ્તરે નામના પ્રાપ્ત કરી ગુજરાતના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. આ સંદર્ભમાં છાપરાની નવી ઔદ્યોગિક વસાહત આ સમગ્ર ઇકોસિસ્ટમને વધુ વેગ આપશે.

ઇ-પેપરના નવા શુલ્ક