• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

મતદારોની નિરસતા વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે ‘િડજિટલ યુદ્ધ’!

આકરી ગરમી, કેટલાક કિસ્સામાં ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા યોગ્ય કામગીરી ન થવી અને નિરસતાના કારણે મતદારો ચૂંટણી માહોલ સાથે જોડાઇ રહ્યા નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.23 : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણીના પ્રચાર માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર સભાઓમાં સામાન્ય નાગરિકો બહુ રસ લઇ રહ્યા ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે  ત્યારે રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારો સુધી પહોંચવા હરીફ પક્ષો ઉપર બેફામ પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ભાજપના શાસનમાં થયેલી દુર્ઘટનાઓથી લઇને ખામીઓ યાદ કરાવાઇ રહી છે. તો ભાજપ દ્વારા ગુજરાતને કેવી રીતે સુરક્ષિત કરાયું ત્યાંથી લઇને અત્યાર સુધી કરાયેલા અનેક વિકાસકામોનો હવાલો અપાઇ રહ્યો છે. તો આપ દ્વારા ભ્રષ્ટાચાર ડામવાના મુદ્દાને આગળ કરાઇ રહ્યો છે. 

રાજ્યભરમાં ચૂંટણીઓમાં અત્યાર સુધી રાજકીય પક્ષો દ્વારા તેમના નેતાઓની જાહેર સભા, પ્રચાર રેલી અને નાના પાયે પણ મતદારો સુધી પહોંચવા માટેની મીટીંગ યોજાઇ છે. જો કે આકરી ગરમી, કેટલાક કિસ્સામાં ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા યોગ્ય કામગીરી ન થવી અને નિરસતાના કારણે મતદારો હજુ ચૂંટણી માહોલ સાથે જોડાઇ રહ્યા નથી. રિક્ષાઓ સહિતના વાહનો દ્વારા લાઉડ સ્પીકર થકી પણ આખો દિવસ પ્રચાર કરાતો હોવા છતાં મતદારો દ્વારા કોઇ પ્રતિભાવ મળી રહ્યો નથી. તે સંજોગોમાં તમામ પક્ષોએ પ્રચારના છેલ્લા કલાકો સુધી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયાના સહારે એકબીજા સામે પ્રચાર યુદ્ધે ચઢ્યા છે. મતદાર નાગરિકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે તે દરમિયાન તેમના સુધી પ્રચાર પહોંચે તેવી વ્યવસ્થા કરી એકબીજા સામે મોરચો માંડયો છે.  ભાજપ દ્વારા અત્યાર સુધી કરાયેલા અનેક વિકાસ કામોનું મજબૂત ભાથુ તેમના પ્રચારનો મુખ્ય મુદ્દો છે. તે સાથે ગુજરાતને કેવી રીતે ભયમુક્ત કરાવાયું તેની યાદ પણ મતદારોને અપાવાઇ રહી છે. કોંગ્રેસ દ્વારા ભાજપના શાસનમાં રહેલી ખામીઓને ઉજાગર કરી એક તક આપવા અપીલ કરાય છે. તો આપ દ્વારા કામની રાજનીતિ કરવાનો વાયદો અપાયો છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક