• બુધવાર, 22 જુલાઈ, 2026

કોરોનામાં મૃત્યુ પામનારા એસટીનાં 115 કર્મીના પરિવારને 25 લાખની સહાય ચૂકવાશે 27મીએ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે કુલ 28.75 કરોડની સહાય ચુકવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 21:  કોરોના મહામારી દરમિયાન કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 115 કર્મચારીઓના પરિવારોને રૂ. 25 લાખની એક્સ-ગ્રેશિયા સહાયના ચેકનું વિતરણ 27 જુલાઈના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1 સ્થિત નર્મદા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કરવામાં આવશે. આ પહેલ હેઠળ કુલ રૂ. 28.75 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે.

રાજ્યના જાહેર પરિવહનની કરોડરજ્જુ સમાન એસટી દરરોજ 8,000થી વધુ બસોનું સંચાલન કરે છે. દરરોજ 34 લાખ કિલોમીટરથી વધુનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડે છે. કોર્પોરેશનના ડ્રાઇવરો, કંડક્ટરો અને મિકેનિકો રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થાને સતત કાર્યરત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કોવિડ-19 મહામારી દરમિયાન વર્ષ 202021માં ગુજરાત એસટીએ ગુજરાતમાં રહેતા પ્રવાસી શ્રમિકો અને મજૂરોને તેમના વતન સુધી સુરક્ષિત પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોર્પોરેશને ત્રણ રાજ્યોમાં 22,953 ટ્રિપ્સનું સંચાલન કરીને કુલ 6,99,357 મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા. આ દરમિયાન અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવતાં કોવિડ-19થી સંક્રમિત થયા હતા અને કુલ 115 કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો.

મૃત્યુ પામનારાઓમાં 39 ડ્રાઇવર, 31 કંડક્ટર, 29 વહીવટી કર્મચારીઓ અને 16 મિકેનિકનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે કોર્પોરેશનના વિવિધ વર્ગના કોરોના વોરિયરોએ આ મહામારી સામે લડતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, ફરજ દરમિયાન કોવિડ સંક્રમિત થયેલા કર્મચારીઓની ઓળખ માટે કોર્પોરેશન દ્વારા રચાયેલી સમિતિએ વિગતવાર ચકાસણી કર્યા બાદ પાત્ર દરેક કર્મચારીના કાયદેસરના વારસદારોને રૂ. 25 લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આ સહાય કોર્પોરેશનના કોરોના વોરિયર્સની નિષ્ઠા, સેવા અને બલિદાનને અર્પિત શ્રદ્ધાંજાલિ સમાન છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક