વડોદરાની સયાજી હોસ્પિટલમાં પાંચ શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ
ખંભાળિયા, તા.21 : દેવભૂમિ દ્વારકા
જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારના એક
2 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો મળી આવતા સમગ્ર પંથકમાં આરોગ્ય
વિષયક અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાળકને અચાનક ખેંચ આવવા અને બેભાન થઈ જવા જેવા
ગંભીર લક્ષણો દેખાતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં
રિફર કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તબીબોની ટીમ દ્વારા તેની સઘન સારવાર અને સ્થિતિ પર
સતત નજર રાખવામાં આવી રહી છે.
વાયરસની પુષ્ટિ કરવા માટે બાળકના
બ્લડ સેમ્પલ ગાંધીનગર ખાતરીપૂર્વકની તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ
આવ્યા બાદ જ વાયરસની અધિકૃત પુષ્ટિ થશે. બીજી તરફ, વાયરસ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય
વિભાગ દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.
વડોદરા : પંચમહાલ અને ગોધરાના અંતરિયાળ વિસ્તારમાંથી મળેલા
ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ વડોદરા જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે. જિલ્લાના સાવલી
વિસ્તારમાં રહેતા બે વર્ષના બાળકમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાઇ આવતા તેને સાથે
સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્ટેબલ હોવાનું
જાણવા મળ્યું છે.