ઇજિ જવાનના પુત્રના અકસ્માતે સમગ્ર પંથકમાં રોષ ફેલાવ્યો : જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તપાસના આદેશ
(ફૂલછાબ
ન્યુઝ)
ધાંગધ્રા,
તા.30 : ધ્રાંગધ્રા તાલુકાના રાજ સીતાપુર ગામે ઓમ શાંતિ સ્કૂલની તળિયા વગરની અનફિટ
અને જર્જરિત બસમાં બનેલી ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં ધોરણ-1માં અભ્યાસ કરતો
માસૂમ વિદ્યાર્થી દિવ્યરાજ મહેન્દ્રાસિંહ સોલંકી બસનું ફ્લારિંગનું પતરું તૂટી જવાથી
નીચે પટકાયો હતો અને ગંભીર ઇજાઓનાં કારણે તેનું દુ:ખદ અવસાન થયું હતું. આ કરુણ ઘટનાથી
સમગ્ર પંથકમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે, કારણ કે મૃતક બાળકનાં પિતા મહેન્દ્રાસિંહ
સોલંકી દેશની સરહદ પર બીએસએફમાં ફરજ બજાવી રહ્યા છે અને પુત્રનાં નિધનના સમાચાર મળતાં
જ તેઓ કાશ્મીરથી વતન દોડી આવ્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગ્રામજનો અને વાલીઓએ
શાળા સંચાલકો તથા બસ સંચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે, જ્યારે
જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં
અંદાજે એકવીસ વર્ષ જૂની અને કોઈપણ પ્રકારની યોગ્ય દેખરેખ વગર દોડતી આ બસની સલામતી સામે
ગંભીર સવાલો ઉભા થયા છે, ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા માત્ર ગોળગોળ જવાબો આપવામાં
આવતા લોકોમાં ફેલાયેલો આક્રોશ વધુ તીવ્ર બન્યો છે અને હવે સૌની નજર પારદર્શક તપાસ તેમજ
કડક પગલાં પર છે.