આગામી વર્ષે રસી આવે તે પહેલાં આઠ રાજ્યમાં એલર્ટ : ICMRએ કર્યો ડેંગ્યૂ સેમ્પલનો અભ્યાસ
નવી
દિલ્હી, તા. 30 : ભારત આગામી વર્ષ સુધીમાં ડેંગ્યૂની રસી લાવવાની તૈયારી કરી રહ્યું
છે. આ દરમિયાન આઇસીએમઆરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે દેશના આઠ રાજ્યમાં ડેંગ્યૂના
ચાર સ્ટ્રેન એકસાથે ફેલાઈ રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી, પૂણેએ 2023થી
2025 સુધી 25 રાજ્યની 45 લેબથી ડેંગ્યૂના 6889 સેમ્પલ ટેસ્ટ કર્યા હતા.
આંધ્ર
પ્રદેશ, ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ
બંગાળમાં ડીઇએનવી-1, ડીઇએનવી-2, ડીઇએનવી-3 અને ડીઇએનવી-4 મળ્યા છે. બાકીનાં 15 રાજ્યમાં
3-3 સ્ટ્રેન ફેલાઈ રહ્યા છે. જેમાં ડીઇએનવી-2 સૌથી વધારે ફેલાઈ રહ્યો છે. કુલ સંક્રમણના
51 ટકા બીજા નંબરના સ્ટ્રેનથી થયા છે. ત્યારબાદ ડીઇએનવી-3થી 13 ટકા, ડીઇએનવી-1થી સાત
ટકા અને ડીઇએનવી-4થી એક ટકા સંક્રમણ ફેલાયું છે.
અંદાજિત
સાત ટકા લોકો એકસાથે બે અથવા તેનાથી વધારે સ્ટ્રેનથી સંક્રમિત મળ્યા છે. શોધકર્તાઓએ
કહ્યું હતું કે, જે દરદીમાં એક સાથે વધારે સ્ટ્રેન મળ્યા છે તેમાં પ્લેટલેટ્સ ઘટવા,
બ્લીડિંગ અને સાંધાના દુખાવાની સમસ્યા વધારે જોવા મળી છે. પૂરા દેશમાં ડીઇએનવી-2ની
અસર સૌથી વધારે રહી હતી. જો કે તમિલનાડુ, હરિયાણા અને રાજસ્થાનમાં ડીઇએનવી-1 વધુ મળ્યો
છે. ગુજરાત, તમિલનાડુ, યુપી અને બંગાળમાં ડીઇએનવી-3ની અસર વધારે હતી.