• ગુરુવાર, 30 જુલાઈ, 2026

પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ વિન્ડિઝનો 90 રને શાનદાર વિજય

- 211 રનના વિજય લક્ષ્યાંક સામે પાક. ટીમનો 120 રનમાં ધબડકો : મેચની તમામ 40 વિકેટ ઝડપી બોલર્સના નામે

તોરબા (ત્રિનિદાદ), તા.29 : પાકિસ્તાન સામેના પ્રથમ ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝનો 90 રને શાનદાર વિજય થયો છે અને બે મેચની શ્રેણીમાં 1-0થી આગળ થયું છે. મેચના ચોથા દિવસે પાકિસ્તાનને 211 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. જેનો પીછો કરતા પાકિસ્તાન ટીમનો 40.2 ઓવરમાં 120 રનમાં ધબડકો થયો હતો. વિન્ડિઝ તરફથી જેડન સીલ્સે કાતિલ બોલિંગ કરી 20 રનમાં પ વિકેટ ઝડપી હતી. પહેલા દાવમાં પ અને બીજા દાવમાં 2 વિકેટ લેનાર જસ્ટિન ગ્રીવ્સ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો.

પાકિસ્તાનના તમામ બેટધર વિન્ડિઝના ઝડપી બોલર સામે આઉટ થયા હતા. આવું પહેલીવાર થયું છે. મેચમાં તમામ 40 વિકેટ ઝડપી બોલર્સને મળી હતી. પાકિસ્તાન ટીમ ઘર બહાર સતત 8મો ટેસ્ટ હારી છે. 2023માં શ્રીલંકાએ કોલંબોમાં એક દાવ 222 રને કારમી હાર આપી હતી. આ પછીથી ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકા, બાંગલાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ ધરતી પર ટેસ્ટ હાર મળી છે.

બીજા દાવમાં પાકિસ્તાન તરફથી કપ્તાન બાબર આઝમે અણનમ પ8 રન કર્યા હતા જ્યારે 11મા નંબરના ખેલાડી મોહમ્મદ અબ્બાસે 23 રન બનાવ્યા હતા. જે પાક. તરફથી ટેસ્ટની ચોથી ઇનિંગમાં 11મા ક્રમના ખેલાડીના ટેસ્ટ ઈતિહાસમાં સૌથી વધુ રન છે.  આ પહેલા ચોથા દિવસે લંચ પહેલા વિન્ડિઝનો બીજા દાવ 181 રને સમાપ્ત થયો હતો. પાક. તરફથી મોહમ્મદ અબ્બાસે પ વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક