• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ગુજરાત પર મેઘતાંડવનો ખતરો : આજે અને કાલે રેડ એલર્ટ

અમદાવાદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી; સરકાર એલર્ટ મોડ પર, અધિકારીઓની રજાઓ રદ અને બચાવ દળો તૈનાત

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, અમદાવાદ, તા.30: ગુજરાત પર મેઘતાંડવનો ખતરો મંડરાઈ રહ્યો છે. હાલમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શીયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ જેવી પાંચ મહત્ત્વની હવામાન સિસ્ટમ સક્રિય છે ત્યારે આગામી 31 જુલાઈથી 2 અૉગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરુચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઇ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી  ગઈ છે. અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફને પણ 24 કલાક માટે સજ્જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની અત્યંત ભયજનક આગાહીના પગલે રાજ્યભરમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોપરી રાખીને અમદાવાદ, વડોદરા, નવસારી, ખેડા, ડાંગ, નર્મદા, ભાવનગર, આણંદ અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં આંગણવાડીથી લઈને કોલેજ સુધીનું શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  અમદાવાદ શહેર અને જિલ્લાના પૂર્વ-પશ્ચિમ વિસ્તારોની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો સંપૂર્ણપણે બંધ રહેશે. વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આદેશનું ઉલ્લંઘન કરનાર સંસ્થાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી વ્હોટ્સએપ કે એસએમએસ દ્વારા તાત્કાલિક પહોંચાડવા અને માત્ર અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવા તાકીદ કરાઈ છે.

આગામી 4 દિવસ અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચિંતાજનક  (રેડ એલર્ટ): અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં અસાધારણ ભારે વરસાદની સંભાવના છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 2 ઓગસ્ટ: વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થવાની શક્યતા છે, છતાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને મોરબી સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ રહેશે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક ઉચ્ચસ્તરીય સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને તમામ સંબંધિત અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે અને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી વર્ગ-1ના અધિકારીને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરવા અને તાકીદની રાહત માટે એનડીઆરએફ તથા ભારતીય સેનાની ત્રણેય પાંખોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. રાહત કમિશનરે જોખમી હોર્ડિંગ્સ અને જર્જરિત મકાનો પાસેથી દૂર રહેવા તેમજ અત્યંત જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવા નાગરિકોને ભારપૂર્વક અપીલ કરી છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને ભારે વરસાદની વ્યક્ત કરવામાં આવેલી સંભાવનાને પગલે, કૃષિ વિભાગ દ્વારા તમામ ખેડૂતોને પોતાના પાક, પશુધન અને ખેત-સંસાધનોની સુરક્ષા માટે આગોતરા પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. 

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે નાગરિકોને મદદરૂપ થવા માટે તેમજ રાહત બચાવની કામગીરી માટે જિલ્લામાં કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે. જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકસાન થાય તો જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. (02833)- 232125/ 232084, ટોલ ફ્રી નં. 1077,મો.નં. 7859923844, ખંભાળિયા તાલુકામાં 02833 - 234113 મો.નં. 7861984900, ભાણવડ તાલુકામાં 02896 - 232113, મો. નં. 8866315878, દ્વારકા તાલુકામાં 02892 - 234541, મો.નં. 7984574022, કલ્યાણપુર તાલુકામાં 02891 - 286227 મો. નં. 9974940580, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ 02833 - 234731 મો. નં. 9512819998 ઉપર જાણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિનો સામનો કરવા સજ્જ અને સતર્ક છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. જિલ્લા કલેક્ટરે સતર્ક રહેવા કરી અપીલ કરી છે. મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જોખમી તેમજ વધુ ઊંચાઈ પર આવેલા હોર્ડીંગ્સ દૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 8 જોખમી હોર્ડીંગ્સ બોર્ડ સ્ટ્રક્ચર સહિત ઉતારી લેવામાં આવ્યા છે. ઉપરાંત 8 હોર્ડીંગ્સ બોર્ડની ફ્લેક્સ/પ્રિન્ટ દૂર કરવામાં આવી છે, જોખમી તેમજ વધુ ઊંચાઈ પર આવેલા અન્ય હોર્ડીંગ્સ બોર્ડને દૂર કરવાની કામગીરી  ચાલુ છે.

ભાવનગર : ભાવનગર જિલ્લાને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યો હોવાનું જણાવી જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે જિલ્લાવાસીઓને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. ભારે વરસાદ અને તેજ પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા તેમજ તાલુકા મથકોએ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં એક સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. જિલ્લા કલેકટરે આવતીકાલે તા.31મીના રોજ જિલ્લાની તમામ સરકારી, ખાનગી  શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જો કે, શાળાના સ્ટાફે સમયસર હાજર રહી વહીવટી કામગીરી બજાવવાની રહેશે.

જામનગર : આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી પગલે જામનગર મ્યુનિ કમિશનર દીપેશ કેડિયા દ્વારા પણ શહેરમાં ભારે પવન અને વરસાદની આગાહીના પગલે 300થી વધુ હાડિંગ્સ ઉતારી લેવા માટે જાહેરાત કંપનીઓને સૂચના આપી છે. સ્પોર્ટ્સ સંકુલમાં પણ બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે, ત્યારે નગર પાલિકા સ્પોર્ટ્સ સંકુલમાં ગુજરાત ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ ત્રણ દિવસ માટે યોજાયેલ છે અને 600 પ્લેયર ભાગ લેવાના છે તે અંગે કોઈ સૂચનાઓ આપવામાં આવી નથી ત્યારે પ્લેયરો રમશે કે ધક્કો થશે તે જોવું રહ્યું.

 

ડીપ ડિપ્રેશન સામે રાજકોટનું તંત્ર સજ્જ, 180 ગામ પર નજર

 

રાજકોટ, તા.30 : જિલ્લામાં ડીપ ડિપ્રેશનની અસરને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ થઈ ગયું છે. હવામાન વિભાગે શુક્રવાર સાંજથી શનિવાર દરમિયાન રાજકોટ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે તાત્કાલિક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જિલ્લાના 170થી 180 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નદી, ડેમ અને નાળાની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જરૂરિયાત ઊભી થાય તો લોકોને સલામત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર તૈયાર છે.

કલેકટરે જણાવ્યું કે રાજકોટમાં એસડીઆરએફની ટીમ તૈનાત છે, જ્યારે સ્થિતિ વધુ ગંભીર બનશે તો એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવશે. આ ઉપરાંત આર્મીની મદદ લેવાની તૈયારી પણ રાખવામાં આવી છે. બચાવ કામગીરી માટે જિલ્લામાં 16 ફાઇબર બોટ તૈયાર રાખવામાં આવી છે. તમામ તાલુકાઓમાં લાયઝન અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગામે-ગામ તલાટી, ગ્રામ સેવકો, સરકારી કર્મચારીઓ અને વોલેન્ટિયર્સને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ લોકોને આગામી બે દિવસ બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. પાણી ભરાયેલા વિસ્તારો, નદી-નાળા અને ડેમથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદ વધુ ગંભીર બનશે તો શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાની તૈયારી છે. આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ, ઓઆરએસ અને જરૂરી સાધનોનો પૂરતો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે.

 

ઉઋઙનો પોલીસતંત્રને સતર્ક રહેવા આદેશ

 

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોના જાનમાલના રક્ષણ માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક અને આયોજનબદ્ધ પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રાસિંહ મલિકના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યના તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.  આપત્તિ સામે લડવા માટે પૂર-રાહત અને બચાવ કામગીરીના યાંત્રિક સાધનો તથા બોટને વાપરવા લાયક સજ્જ રાખવા સૂચના અપાઈ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ કામગીરીમાં જોડવામાં આવી છે. નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાંથી નાગરિકો તથા પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ-મકાન વિભાગ અને વીજ કંપનીઓ સાથે મળીને સંયુક્ત ઇવેક્યુએશન પ્લાન પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં વાહનવ્યવહાર સુચારૂ રીતે ચાલે તે માટે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક નિયમન માટે પોલીસ જવાનો તૈનાત કરાયા છે. બંધ પડેલા વાહનોને ખસેડવા ક્રેનની સુવિધાઓ અને જરૂર પડયે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક