ખુલ્લા મોઢે ગુજરાતી ભાષામાં રેકી કરીને લૂંટને અંજામ આપતા જાણભેદુ હોવાની પ્રબળ આશંકા
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
તા.30: રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા પેડક રોડ પર આવેલી પ્રાઈમ આંગડિયા પેઢીમાં ધોળા
દિવસે હથિયારધારી બે અજાણ્યા શખસોએ કર્મચારીના લમણે રિવોલ્વર ધરીને રૂ. 19 લાખની રોકડ
રકમની સનસનીખેજ લૂંટ ચલાવી હતી અને પારેવડી ચોકથી સંત કબીર રોડ તરફ બાઈક પર નાસી છૂટયા
હતા. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે
દોડી ગયો હતો અને સમગ્ર શહેરમાં કડક નાકાબંધી જાહેર કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે
ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને એલસીબી સહિતની ટીમો કામે લગાડવામાં આવી છે.
ન્યુ
જાગનાથ-23માં આવેલા વિષ્ણુ એપાર્ટમેન્ટમાં રહેતાં અલ્કેશભાઈ ગિરીશભાઈ દવે (ઉં.વ.45)
છેલ્લા 3 વર્ષથી આ પ્રાઈમ આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. તેઓ દરરોજની જેમ સવારે રૂ.
19 લાખની રોકડ ભરેલા બે થેલા લઈ નીકળ્યા હતા, જેમાંથી એક થેલો ગોંડલ રોડ પરની બ્રાન્ચમાં
આપીને તેઓ આશરે 10:35 વાગ્યે પેડક રોડ સ્થિત પોતાની ઓફિસે પહોંચ્યા હતા.
ઓફિસ
ખોલીને તેઓ ખુરશી પર બેઠા હતા ત્યારે ભાવનગર રોડ તરફથી બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો
પૈકી એક શખ્સ અંદર પ્રવેશ્યો હતો અને બે લાખ રૂપિયાનું આંગળીયું કરવાનું બહાનું બતાવીને
રોકડ ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. કર્મચારી અલ્કેશભાઈએ પ્રતિકાર કરતાં લૂંટારે
પોતાની પાસે રહેલી રિવોલ્વર તેમના લમણે તાકી દીધી હતી, જેના કારણે લાચાર બનેલા કર્મચારી
પાસેથી રૂ. 19 લાખની રોકડ લૂંટીને આરોપી બહાર ઉભેલા પોતાના સાથીદારના બાઈક પાછળ બેસીને
નાસી છૂટયો હતો.
ઘટનાની
ગંભીરતાને ધ્યાને લઈને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને ડીસીપી હેતલ પટેલ સહિતના ઉચ્ચ
પોલીસ અધિકારીઓ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભોગ બનનાર કર્મચારીની પ્રાથમિક
પૂછપરછ હાથ ધરી હતી. આ લૂંટનો ભેદ ઉકેલવા બી. ડિવિઝન પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ,
એસઓજી અને એલસીબીની ટીમો દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોની ઓળખ મેળવવાના
ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મોઢા
ખુલ્લા રાખીને અને ગુજરાતીમાં વાત કરી લૂંટ ચલાવનાર શખ્સોએ રેકી કરી હોવાની પ્રબળ આશંકા
સામાકાંઠે
આંગડિયા પેઢીમાં માસ્ક વગર ખુલ્લા મોઢે અને માથે ટોપી પહેરીને આવેલા હથિયારધારી લુટારુઓએ
શુદ્ધ ગુજરાતી ભાષામાં વાતચીત કરી ગણતરીની મિનિટોમાં લૂંટ ચલાવી નાસી છૂટયા હોવાથી
આ ગુનાને અંજામ આપવા અગાઉથી ચોક્કસ રેકી કરાઈ હોવાની અને કોઈ જાણીતા શખસો સંડોવાયેલા
હોવાની પ્રબળ આશંકાના પગલે પોલીસે તપાસ તેજ કરી છે.