-બાળકના
શરીર પર સોટીના નિશાન અને લોહી થીજી ગયેલું જોઈ પરિવાર ચોંકી ઉઠયો : હિંસક શિક્ષક વિરુદ્ધ
કાર્યવાહીની માગ
(અમારા
પ્રતિનિધી તરફથી)
સુરત,
તા.29: સુરતના ઉધનાના ભાઠેના વિસ્તારમાં આવેલી ખુદીરામ બોઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની
શાળા ક્રમાંક.42માં બાળવાટિકામાં અભ્યાસ કરતા 6 વર્ષીય માસૂમ બાળકને વર્ગ શિક્ષકે સોટી
વડે ઢોર માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે. ગુરુપૂર્ણિમાના દિવસે
બહાર આવેલી આ ઘટના બાદ શિક્ષકે ગુરુપદ લજાવ્યું હોવાનો ફિટકાર વરસી રહ્યો છે. ઉલ્લેખનીય
છે કે ભૂતકાળમાં આ બાળકની ઓપન હાર્ટ સર્જરી થઈ હતી, અને તેને ખેંચ-તણાવની બીમારી હોવાથી
તેનો માનસિક વિકાસ અન્ય બાળકો કરતાં ધીમો છે. બાળકની આ સ્થિતિ અંગે પરિવારજનોએ શાળાના
આચાર્ય અને શિક્ષકોને પહેલેથી જ જાણ કરી હતી.
ભાઢેનામાં
આવેલી મનપા સંચલિત શાળા ક્રમાંક.42માં બાળવાટિકાના 6 વર્ષીય વિદ્યાર્થીને વર્ગ શિક્ષકે
બેહરેમીથી ઢોર માર મારતા ઘરે પહોંચ્યા બાદ માસૂમ બાળક અસહ્ય દુખાવાને લીધે સતત રડી
રહ્યો હતો. વાલીને શરૂઆતમાં એવું લાગ્યું કે બાળક શાળાએ ન જવાના બહાના બનાવી રહ્યો
હશે, પરંતુ જ્યારે બાળકના કપડાં બદલવામાં આવ્યા ત્યારે બાળકની પીઠ, છાતીના આગળના ભાગે
અને ગળાના પાછળના ભાગે સોટીના કાળામેશ નિશાન અને ચામડી પર લોહી થીજી ગયેલુ જોઈ તેના
પરિવાર ચોંકી ઉઠયો હતો અને બાળકને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડયો
હતો. બાળકની સ્થિતિ જોઈને સિવિલના તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
પીડિત
પરિવારે બાળકને ન્યાય મળે અને આવા હિંસક શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માગ કરી
છે.
અત્યારે
શાળાનો સમય પૂરો થઈ ગયો,
આવતીકાલે
શિક્ષક આવે ત્યારે આવજો
આ બનાવ
બાદ પરિવારે તાત્કાલિક શાળાએ પહોંચી આચાર્ય સમક્ષ આટલી હદ સુધીની ક્રૂરતા દાખવનાર શિક્ષક
સામે પગલાં ભરવા માગ કરી હતી, પરંતુ શાળાના આચાર્યએ જણાવ્યું કે, અત્યારે તો શાળા સમય
પૂરો થઈ ગયો હોવાથી તમામ શિક્ષકો ઘરે જતાં રહ્યા છે. હાલમાં મુખ્ય શિક્ષક રજા પર હોવાથી
એક જ શિક્ષક ત્રણ-ત્રણ વર્ગખંડો સંભાળી રહ્યા છે, જેથી તમે આવતીકાલે શિક્ષક આવે ત્યારે
વાત કરજો.