ક્ષહાઈકોર્ટમાં 11 ઓગસ્ટે વધુ સુનાવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ,
તા.7: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના બંધારણ અને વહીવટી પ્રક્રિયા ને પડકારતી અરજી પર
ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ નિર્ઝર દેસાઈ સમક્ષ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ મામલે હાઈકોર્ટ દ્વારા અગાઉ નિમાયેલી સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ જસ્ટિસ એમ.આર.શાહની
સમિતિનો અહેવાલ બાબતે ચર્ચા કરાઈ હતી. જેમાં જસ્ટિસ એમ.આર. શાહ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ
એસોસિએશનમાં વહીવટદાર નિમવાની અને એક કમિટીની રચના કરવાની ભલામણ કરવામાં આવી હતી. આગામી
દિવસોમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વહીવટદારની નિમણૂક થઈ શકે છે. આને લઈને એસસીએના
વહીવટ અંગેનું રાજકારણ ગરમાયું છે.
અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન
તરફથી સિનિયર એડવોકેટ દેવાંગ વ્યાસ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક સભ્યો
દ્વારા તાત્કાલિક અસાધારણ સામાન્ય સભા બોલાવવા માટે માગણી કરવામાં આવેલી છે અને જો
આ મીટીંગ 30 દિવસમાં નહીં મળે તો તે લોકો મીટીંગ કરી અને પોતાની રીતે ઠરાવ પાસ કરી
શકે તેમ છે, આથી આ પરિસ્થિતિમાં હાઇકોર્ટનો યોગ્ય હુકમ લેવા જરૂરી છે. આથી હાઇકોર્ટે
આ મામલે મંગળવારે તા.11 ઓગસ્ટના વધુ સુનાવણી રાખી હતી અને બન્ને પક્ષકારને સાંભળીને
આગળ હુકમ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે એવા નિર્દેશ પણ બન્ને પક્ષને
આપ્યા હતા કે તેઓ વહીવટદારનું નામ નક્કી કરીને આવે અને સાથે જે રિપોર્ટ જસ્ટિસ શાહે
સુપ્રત કર્યો છે તેના પર ચર્ચા પણ કરીને આવે.
આ સમગ્ર મામલો પોરબંદર ક્રિકેટ
એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. પોરબંદર
ક્રિકેટ એસોસિએશને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વહીવટ અને ચૂંટણી પ્રક્રિયા સહિતના
મુદ્દાઓને લઈને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ
એમ.આર. શાહ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા ક્રિકેટ એસોસિએશનોના પ્રતિનિધિઓ સાથે બેઠક
યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન વિવિધ પક્ષોની રજૂઆતો સાંભળીને તેમણે એક વિગતવાર અહેવાલ
તૈયાર કરીને હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યો હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી
સુનાવણી દરમિયાન સૌરાષ્ટ્રની વિવિધ ક્રિકેટ એસોસિએશન અને પૂર્વ રણજી ખેલાડીઓના મતાધિકાર
અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. આ નિર્ણય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ભાવિ
ચૂંટણી અને વહીવટી માળખા પર સીધી અસર કરી શકે છે.