અધિકારીઓની ખો આપવાની વૃત્તિથી શાસક પક્ષના નેતાઓમાં રોષ: કામ સત્વરે પૂર્ણ ન થાય તો જલદ આંદોલનની ચીમકી
જૂનાગઢ, તા.7 : જૂનાગઢના વોર્ડ
નંબર એકમાં દોલતપરાની કસ્તુરબા સોસાયટીમાં ગટર અને પાણીના પ્રશ્ને ખોદકામ કર્યા બાદ
કામ પૂર્ણ નહીં કરતા અને સંબંધિત અધિકારીઓની ખો આપવાની વૃત્તિ સામે વોટર વર્કસ ચેરમેન
સહિત વોર્ડના ચારેય કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર તથા રહીશોએ પ્રતિક ધરણા કર્યા
હતા. આ પ્રશ્ન તુરંત ન ઉકેલાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
દોલતપરાની કસ્તુરબા સોસાયટીમાં
ગટર અને પાણીની લાઇનના ખોદકામ કર્યા બાદ છેલ્લા ત્રણ માસથી આ કામ કોન્ટ્રાક્ટર દ્વારા
અધૂરું મૂકી દેવાતા આ અંગે વોર્ડના કોર્પોરેટરો દ્વારા મનના વોટરવકૅસ એન્જિનિયર અને
બાંધકામ શાખાના ઇજનેરને વારંવાર ફરિયાદ કરી હતી. પરંતુ બંને અધિકારીઓ એકબીજાને ખો આપતા
હોય આ સામે આજે વોટરવર્કસના ચેરમેન સહિત વોર્ડના ચારેય કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર
અને રહીશો દ્વારા પ્રતિક ધરણાં કર્યા હતા.
વોર્ડના કોર્પોરેટર નિલેશભાઈ
પીઠિયાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ માસથી કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તામાં ખોદકામ કરી કામ
અધુરુ મૂકી દેતા આ વિસ્તારના રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. પીવાના પાણીમા
ગટરનું પાણી આવતા લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. આ અંગે બાંધકામ વિભાગના ઇજનેર
પાનસુરિયાને ફરિયાદ કરતા તેઓ વોટરવર્કર્સની કામગીરી હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે
વોટર વર્કસ ઈજનેર અલ્પેશ ચાવડા આ કામ બાંધકામ શાખાનું હોય તેવી ખો આપી રહ્યા છે. આ
સામે સતાધારી પક્ષ ભાજપના કોર્પોરેટર અને વોટરવકૅસના ચેરમેન સહિતના કોર્પોરેટરો પ્રતીક
ધરણા ઉપર ઉતરતા રાજકારણ ગરમાયું છે. સતાધારી ભાજપના કોર્પોરેટરોની ફરિયાદ અધિકારીઓ
ઉકેલતા ન હોય અને એકબીજાને ખો આપવાની વૃત્તિ સામે આજે શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ
ધરણા કરી મનપામાં અધિકારી રાજ સામે રોષ વ્યક્ત કર્યો હતો. અને આ કામગીરી સત્વરે પૂર્ણ
ન થાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.