જેતપર સત્યાગ્રહ છાવણીમાં 400થી વધુ ખેડૂતો જોડાયા; જામનગરના લીમ્બુડા ગામમાં પણ વિરોધના બેનરો લાગ્યા
મોરબી, તા. 7 : રાષ્ટ્રીય ખેડૂત
નેતા રાકેશ ટિકૈત શનિવારે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. તા. 8 ઓગસ્ટે રાત્રે 8 કલાકે
કેપિટલ માર્કેટ, રવાપર રોડ ખાતે ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં
રાકેશ ટિકૈત સહિતના ખેડૂત આગેવાનો ખેડૂતોને સંબોધશે. આ મહાસભામાં રાકેશ ટિકૈત ઉપરાંત
હરીપર ગામના સરપંચ મુન્નાભાઈ આહીર, રાજકોટના રાજભા ઝાલા, રાજસ્થાનના હિમતાસિંહ ગુર્જર
અને યુદ્ધવિરાસિંહ ચૌધરી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. આયોજકો દ્વારા મોરબી જિલ્લાના
તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ મોરબીના જેતપર ગામે
ચાલી રહેલી ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં આજે બરવાળા, સોનગઢ અને દેરાળા સહિતના ગામોના
400થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનો અને માતાઓ જોડાયા હતા. આ દરમિયાન 11 ભાઈ અને 12 બહેને પ્રતિક
ઉપવાસ કરી ખેડૂતોની માગણીઓને સમર્થન આપ્યું હતું. ખેડૂતોના પ્રશ્નોને લઈને મોરબી જિલ્લાના
કેટલાક ગામોમાં ભાજપના નેતાઓના વિરોધમાં બેનરો લગાવાયા બાદ હવે જામનગર જિલ્લાના લીમ્બુડા
ગામમાં પણ આવા બેનરો જોવા મળ્યા છે. બેનરમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોની માગ મુજબ પરિપત્ર
નહીં થાય તો 2027ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને મત માગવા ગામમાં નહીં આવવા ચેતવણી
આપવામાં આવી છે.