સંસ્થાએ ખરીદેલી 105 લાખ ગાંસડીમાંથી ફક્ત 15 લાખ ગાંસડી બચી છે, કપાસનું વાવેતર ઘટયું
રાજકોટ,તા.7: (ફૂલછાબ ન્યૂઝ)કપાસની
લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 105 લાખ ગાંસડી કરતા વધારે
ખરીદી કરી ત્યારે આ જથ્થો બોજ બનશે તેવા અનુમાનો હતા. જોકે સીસીઆઇએ રૂનો મોટાંભાગનો
અર્થાત 85 ટકા સ્ટોક ક્લિયર કરી નાંખ્યો છે. ગુજરાતમાં 15 લાખ ગાંસડીથી વધારે ખરીદી
થઇ હતી. એમાંથી મોટાંભાગની વેચાઇ ચૂકી છે. બીજી તરફ સીસીઆઇએ ચાલુ સીઝનના ટોપ ભાવથી
વેચાણ કરવા છતાં સ્પિનીંગ મિલોમાં નોંધપાત્ર સોદા થાય છે.
સીસીઆઇ પાસે સત્તાવાર 15 લાખ
ગાંસડીનો સ્ટોક હવે અલગ અલગ રાજ્યોમાં છે. જોકે ગુજરાતમાં નહિવત જથ્થો પડયો છે. સીસીઆઇએ
રૂ. 100-200 ક્રમશ: વધારીને રૂ. 63,100-68,000માં વેચાણ શરૂ કર્યું છે. એકધારો હળવો
ભાવવધારો થાય છે અને છતાં માલ ખપી રહ્યા હોવાથી સંસ્થા મોસમના અંતે સ્ટોક લગભગ ક્લિયર
કરી નાંખશે એમ માનવામાં આવે છે. જિનીંગ મિલો, બહુરાષ્ટ્રીય કંપનીઓ તથા એક્સચેંજમાં
આશરે 38 લાખ ગાંસડીનો સ્ટોક પડયો હોવાનો અંદાજ છે.
જોકે સૌથી વધારે સ્ટોક અત્યારે
યાર્ન મિલો ધરાવે છે. દેશની અલગ અલગ મિલોમાં 87 લાખ ગાંસડી જેટલો માતબર સ્ટોક પડેલો
છે. જોકે ચાલુ વર્ષે દેશમાં કપાસનું વાવેતર ઘટયું છે જ્યારે ગુજરાતમાં જળવાઇ રહ્યું
છે. ગુજરાતમાં સરેરાશ 20 લાખ હેક્ટરમાં કપાસની વાવણી કરવામાં આવી છે. જોકે પૂરાં ભારતમાં
103.54 લાખ હેક્ટરમાં વાવણી થઇ છે. જે ગયા વર્ષમાં 106 લાખ હેક્ટર જેટલું થયું હતુ.
વાવણી અઢી લાખ હેક્ટરમાં ઘટી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણામાં કાપ છે. જોકે તેલંગણા
અને આંધ્રમાં વાવેતર સામાન્ય વધેલું છે.
રાજકોટના એક ખેડૂત કહે છે, સરકાર
વાવેતરના આંકડાઓ દર્શાવે છે એ વિસંગતતાવાળા છે. બીજુ સરકાર માત્ર વાવેતર નોંધે છે પણ
વાવણી મે મહિનાથી શરૂ થઇ હતી. એ પછી અનેક સ્થળોએ ભારે વરસાદ પડયો છે અને નુક્સાની પણ
થઇ છે. તેની ગણતરી માંડીએ તો ઉત્પાદનમાં ઘટાડો આવવાની પૂરતી સંભાવના છે.
કપાસનો જથ્થો ખેડૂતો પાસે સંપુર્ણ
ખાલી થઇ ગયો છે કારણકે માર્કેટ યાર્ડમાં ફક્ત બેથી ત્રણ હજાર મણની આવક થાય છે. કપાસ
યાર્ડમાં રૂ. 1500-1925 સુધી વેચાય છે.
જોકે આ વર્ષે કપાસિયા અને ખોળ
લાઇમલાઇટમાં છે કારણ કે રેકોર્ડબ્રેક ઉંચો ભાવ છે. સૌરાષ્ટ્રમાં કપાસિયા ભાવ રૂ.
950-1050 અને ખોળનો ભાવ રૂ. 2250-2410 રહ્યો હતો.