• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

લોકસભામાં રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થવાનો પ્રશ્ન ઉઠાવતા સાંસદ રૂપાલા

ફ્લાઈટ શરૂ કરવાની જવાબદારી એરલાઈન્સ કંપનીની, સરકાર તેમના ઓપરેશનલ પ્લાનમાં દખલ કરતી ન હોવાનો જવાબ મળ્યો

લોકસભામાં વિપક્ષ ક્યાં ચર્ચા થવા જ દે છે : સાંસદ રૂપાલા

રાજકોટ, તા. 11: રાજકોટમાં આશરે ત્રણેક વર્ષથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થઈ ચુક્યું છે. જોકે આટલા સમય પછી હજુ પણ રાજકોટ એરપોર્ટ પર નિયમિત રીતે આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ થઈ શકી નથી. ત્યારે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ તાજેતરમાં લોકસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ક્યારથી શરૂ થશે તેવો સવાલ ઉઠાવ્યો હતો.

લોકસભામાં સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે રાજકોટ એરપોર્ટની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી હતી.   કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા મુજબ, નાણા મંત્રાલય દ્વારા 7 ફેબ્રુઆરી 2025ના રોજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ’કસ્ટમ્સ નોટિફાઇડ એરપોર્ટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને નવા ટર્મિનલ બિલ્ડિગમાં જરૂરી કસ્ટમ્સ સુવિધાઓ પણ ઊભી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેક પોસ્ટ નોટિફાય કરવા અને જરૂરી માનવબળ તૈનાત કરવા માટે ગૃહ મંત્રાલયને વિનંતી કરવામાં આવી છે. 

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા અંગે સ્પષ્ટતા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને અન્ય દેશો વચ્ચેના દ્વિપક્ષીય એર સર્વિસ એગ્રીમેન્ટ મુજબ ભારતીય એરલાઇન્સ રાજકોટથી વિદેશી ગંતવ્ય સ્થાનો માટે ફ્લાઇટ્સ શરૂ કરવા મુક્ત છે. જોકે, સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનો નિર્ણય મુસાફરોની માંગ, સ્લોટની ઉપલબ્ધતા અને આર્થિક રીતે રૂટ કેટલો ફાયદાકારક છે તે જેવા પરિબળો પર આધારિત એરલાઇન્સનો વ્યવસાયિક નિર્ણય હોય છે અને સરકાર તેમના ઓપરેશનલ પ્લાનમાં દખલ કરતી નથી. 

દરમિયાન સાંસદ રૂપાલાએ ‘ફૂલછાબ’ સાથે કરેલી વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, લોકસભામાં વિપક્ષ ચર્ચા ક્યાં થવા જ દે છે ! માટે જન પ્રતિનિધિને ચર્ચા કરવાનો અવસર મળતો નથી.

 

ઇ-પેપરના નવા શુલ્ક