• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

સૌરાષ્ટ્રના શહેર-ગામડાંમાં ‘સિંહ બચાવો’ના નારા ગુંજી ઉઠયા

વિશ્વ સિંહ દિવસે 3 હજારથી વધુ વિદ્યાર્થીઓની મહારેલીથી લઈ 1018 દીકરીઓની રેલી સુધી ઠેર-ઠેર ઉજવણી : માસ્ક, પોસ્ટર, બેનરો અને સંકલ્પ સાથે સિંહ સંરક્ષણનો સંદેશ

રાજકોટ, તા.10 : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રના સિંહપ્રદેશમાં સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. તાલાલા, જૂનાગઢ, વિસાવદર, માણાવદર, જેસર, ડોળાસા, માળિયા હાટીના, કોડીનાર, ધારી, સાવરકુંડલા અને બીલખા સહિતના વિસ્તારોમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વન વિભાગ, સામાજિક સંસ્થાઓ અને પ્રકૃતિપ્રેમીઓ દ્વારા રેલી, સ્પર્ધા, પોસ્ટર પ્રદર્શન અને સંકલ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ક્યાંક વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરી રેલી કાઢી તો ક્યાંક હજારો વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણની પ્રતિજ્ઞા લઈ ‘સિંહ બચાવો, જંગલ બચાવો’નો સંદેશ ગુંજાવ્યો હતો.

તાલાલા : શહેરની આલ્ફા વિદ્યા સંકુલ, નગરપાલિકા હાઈસ્કૂલ, આંકોલવાડી ગિર તપોવન વિદ્યા સંકુલ, વિરપુર ગીર ઓ.આર. પટેલ શૈક્ષણિક સંકુલ, ઘૂંસિયા ગિર ડી.એસ.સી. પબ્લિક સ્કૂલ, માધુપુર ગિર પે.સેન્ટર શાળા, રમળેચી ગિર સરકારી પ્રાથમિક શાળા અને બોરવાવ ગીરની સરસ્વતી વિદ્યાલય સહિતની શાળાઓમાં સિંહ સંરક્ષણ માટે સામૂહિક સંકલ્પ લેવાયા હતા. વિદ્યાર્થીઓને સિંહોના સંરક્ષણ, જૈવિક મહત્વ અને પર્યાવરણમાં તેમની ભૂમિકા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સિંહના માસ્ક પહેરેલા વિદ્યાર્થીઓની રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન સિંહ સંરક્ષણ, જંગલનું જતન અને પર્યાવરણની સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

જૂનાગઢ : સક્કરબાગ ઝૂ ખાતે સવારે વિશાળ રેલી યોજાઈ હતી અને પ્રવાસીઓ માટે આખો દિવસ પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવ્યો હતો. જોશીપરા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પણ રેલી યોજી સિંહ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવી હતી.

સાસણમાં સિંહ સદન ખાતેથી વિદ્યાર્થીઓની વિશાળ રેલી યોજાઈ હતી. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ફ્લેગ આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં સાસણના વન કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સિંહના મહોરાં અને વિવિધ સંદેશા સાથે લોકોમાં સિંહ તથા પર્યાવરણના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

વિસાવદર : લાયન્સ ક્લબ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની સરકારી હાઈસ્કૂલ તેમજ નગર પંચાયત હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મહારેલીમાં લાયન્સ ક્લબના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને સંસ્થાઓમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ અને પર્યાવરણ અંગે પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માણાવદર : લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા વિશાળ જાગૃતિ રેલી યોજાઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાનો સ્ટાફ જોડાયો હતો. વિદ્યાર્થીઓ સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના સંદેશાવાળા બેનરો તથા પ્લેકાર્ડ્સ સાથે રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન ‘સિંહ બચાવો, સિંહ બચાવો’ અને ‘જંગલની શાન, સિંહ અમારું સ્વાભિમાન’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા.

ડોળાસા : એશિયાટિક સિંહોના સંરક્ષણ અને જતન અંગે જાગૃતિ લાવવાના હેતુથી ચીખલી ગામની સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ‘સિંહ સંરક્ષણ અને પર્યાવરણ’ વિષય પર પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સિંહનું મહત્ત્વ, તેમનું કુદરતી નિવાસસ્થાન અને સંરક્ષણની જરૂરિયાત દર્શાવતા પોસ્ટરો તૈયાર કર્યા હતા. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપરાંત બાળકોના અલગ-અલગ જૂથો બનાવી ગામમાં લોકસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું. બાળકોએ ઘરે-ઘરે જઈ ગ્રામજનોને વિશ્વ સિંહ દિવસનો હેતુ સમજાવ્યો હતો. શાળાના બાળકોએ સિંહના મહોરાં પહેરી ગામમાં રેલી પણ યોજી હતી.

માળીયાહાટીના : આગાખાન હોસ્ટેલ, ગિરનાર હાઈસ્કૂલ, ચાણક્ય પબલિક સ્કૂલ, તપોવન હાઈસ્કૂલ સહિતની વિવિધ શાળાના 700થી 800 જેટલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા. માળિયા હાટીના વન વિભાગ અને લાયન નેચરલ ક્લબના સહયોગથી યોજાયેલી રેલીમાં વિદ્યાર્થીઓએ સિંહના મહોરાં પહેર્યા હતા. ડીજે બેન્ડ પાર્ટી સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી રેલી નીકળી હતી. વિદ્યાર્થીઓએ ‘સિંહ બચાવો, જંગલ બચાવો’, ‘પર્યાવરણ બચાવો’, ‘સિંહ ભારત દેશની શાન છે’, ‘સિંહ જંગલના રાજા છે’ અને ‘સિંહ ભારત દેશનું ગૌરવ છે’ જેવા સંદેશાવાળા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોડીનાર : નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની 1018 દીકરીઓ અને સમગ્ર સ્ટાફ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

શાળાથી નાલંદા સ્કૂલ સુધી યોજાયેલી રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ લોકોને એશિયાટિક સિંહોના મહત્વ અંગે જાગૃત કર્યા હતા. કાર્યક્રમમાં પાલિકાના ઉપપ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ,

પ્રકૃતિ નેચર ક્લબના જીજ્ઞેશ ગોહિલ, શાળાના આચાર્યા સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ધારી : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મહારેલી યોજાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી અંગેના સંદેશ પાઠવ્યા હતા. રેલી દરમિયાન સિંહોનું જતન, જંગલનું રક્ષણ અને પર્યાવરણનું સંતુલન જાળવવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

સાવરકુંડલા : સિંહ સંરક્ષણ માટે મહારેલી યોજાઈ હતી. કાર્યક્રમમાં 3,000થી વધુ વિદ્યાર્થીઓ, સામાજિક અને રાજકીય આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો, પર્યાવરણપ્રેમીઓ અને ખેડૂતો જોડાયા હતા. ઉપસ્થિત સૌએ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમમાં વન્યજીવ સુરક્ષા અને પર્યાવરણની સમતુલા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

 

બરડામાં 270 હેક્ટરમાં સફારી પાર્ક બનશે : અર્જુન મોઢવાડિયા

 

2023માં પ્રથમ સિંહના આગમન બાદ બરડામાં

હવે 26 સિંહોનો વસવાટ; મોકરસાગરને રામસર સાઇટનો દરજ્જો અપાવવાની દિશામાં પ્રયાસો

પોરબંદર : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પોરબંદરમાં રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરી હતી કે, બરડા વન્યજીવ અભયારણ્યમાં આશરે 270 હેક્ટર વિસ્તારમાં સફારી પાર્ક વિકસાવવામાં આવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એશિયાટિક સિંહોનું કુદરતી નિવાસસ્થાન ગુજરાત માટે ગૌરવ સાથે મોટી જવાબદારી પણ છે. રાજ્યમાં સિંહોની સંખ્યા વધીને 891 થઈ છે. સિંહોના વિચરણનો વિસ્તાર પણ છેલ્લા અઢી દાયકામાં ત્રણથી વધીને 11 જિલ્લા સુધી પહોંચ્યો છે. 143 વર્ષ બાદ બરડા વિસ્તારમાં સિંહોનું કુદરતી પુનરાગમન થયું છે.

વનમંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે, વર્ષ 2023માં પ્રથમ સિંહના આગમન બાદ બરડામાં હાલ 26 સિંહનો પરિવાર વસવાટ કરી રહ્યો છે. ગિર બાદ બરડા સિંહોનું બીજું ઘર બની રહ્યું છે. બરડામાં સફારી પાર્ક ઉપરાંત મોકરસાગર અને મેઢાક્રીકને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે. મોકરસાગરને રામસર સાઇટનો દરજ્જો મળે તે માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે. કાર્યક્રમમાં પેટ્રાલિંગ બાઈક અને રેસ્ક્યૂ વાહનોને લીલી ઝંડી આપવામાં આવી હતી તેમજ વિવિધ વન વિભાગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.

 

વિશ્વ સિંહ દિવસે ‘િગર કી અમૂલ્ય ધરોહર’ની ભેટ

 

પરિમલ નથવાણીએ ડોક્યુમેન્ટ્રી થકી સિંહ સંરક્ષણની ગાથા રજૂ કરી

જામનગર : વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ ડોક્યુમેન્ટ્રી રજૂ કરી છે. ગીરના એશિયાટીક સિંહોના સંરક્ષણની લાંબી યાત્રા પર આધારિત આ ફિલ્મમાં સિંહોના કુદરતી આવાસ, સ્થાનિક માલધારી સમુદાય સાથેના પેઢીઓ જૂના સહઅસ્તિત્વ તેમજ વન વિભાગના અધિકારીઓ, ટ્રેકર્સ અને અગ્રિમ હરોળના કર્મચારીઓની કામગીરીને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. ડોક્યુમેન્ટ્રીમાં ભવ્ય સિંહની સાથે સિંહણોની ભૂમિકા પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સિંહબાળોના ઉછેર અને આગામી પેઢીના જતનમાં સિંહણોનું યોગદાન પ્રજાતિના વિકાસ માટે અત્યંત મહત્ત્વનું છે. માનવ ખલેલ ઘટાડવા અને સંવર્ધન વિસ્તારોનું રક્ષણ કરવા હાથ ધરાયેલા પ્રયાસોએ સિંહોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડયું છે. સંરક્ષણ ક્ષેત્રની સફળતાને દર્શાવતા આંકડા મુજબ, છેલ્લા એક દાયકામાં એશિયાટીક સિંહોની વસ્તીમાં 70 ટકાનો વધારો થયો છે અને 2025માં સંખ્યા 891 પર પહોંચી છે. સિંહોનું વિસ્તરેલું સામ્રાજ્ય હવે સૌરાષ્ટ્રના 11 જિલ્લા અને 58 તાલુકા સુધી આશરે 35 હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયું છે. ગીર ઉપરાંત બરડા વિસ્તાર પણ સિંહોના નવા રહેઠાણ તરીકે ઉભરી રહ્યો છે.

નથવાણીએ જણાવ્યું હતુ કે, સિંહોની વધતી સંખ્યા સાથે તેમના આવાસનું રક્ષણ અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વ જાળવવાની જવાબદારી પણ વધી છે. આ ડોક્યુમેન્ટ્રી દ્વારા તેમણે સંરક્ષણની આ યાત્રાને દસ્તાવેજીકૃત કરી આગામી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ

કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક