ભાવનગર, તા.18 : ભાવનગર તાલુકાના ઉખરલા ગામે મોડી રાત્રે અચાનક સર્જાયેલી નાસભાગે ત્રણ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જુગાર રમતી વખતે ભાગોની બૂમ પડતાં લોકોમાં અફરાતફરી મચી હતી અને અંધારામાં દોડતા ત્રણ યુવાન નજીકનો કૂવો જોઈ ન શકતાં તેમાં ખાબકી ગયા હતા. દુર્ઘટનામાં ત્રણેયનાં કરુણ મૃત્યુ નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત
વિગતો અનુસાર, ઉખરલા ગામના બાપુનગર વિસ્તારમાં મોટા શીતળા માતાનાં મંદિર સામે મોડી
રાત્રે કથિત જુગારધામ પર પોલીસ દરોડાની બાતમીના પગલે નાસભાગ મચી ગઈ હતી. પોલીસ પકડથી
બચવા અને છૂપાવવા માટે અંધારામાં ભાગી રહેલા યુવાનો પૈકી ત્રણ શખસને અંધારામાં નજીક
આવેલો ખુલ્લો કૂવો જોઈ શક્યો ન હતો, જેનાં કારણે ત્રણેય સીધા કૂવામાં જઈને પડયા હતા.
આ હોનારતમાં ભાવનગરના એરપોર્ટ રોડ અને રૂવા
વિસ્તારમાં રહેતા નિલેશભાઈ બીજલભાઈ ડાભી, રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, અજીતભાઈ બુધાભાઈ
સીધાંનું મૃત્યુ થયું હતું.
ઘટનાની
જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક
ગ્રામસ્થોની મદદથી ભારે જહેમત બાદ ત્રણેય યુવાનના મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢીને
પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બીજી
બાજુ, પોલીસે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે પોલીસ ટીમ કોઈ દરોડો પાડવા ગઈ નહોતી,
પરંતુ અચાનક કોઈ અજાણ્યા શખસે ‘ભાગો’ તેવી બૂમો પાડતા આ યુવાનો ગભરાઈને દોડયા હતા અને
અંધારાને કારણે કૂવામાં ખાબક્યા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની
કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.