• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરમાં દોઢ લાખ ભાવિકોએ શીશ ઝૂકાવ્યું

વિક્રમજનક 91 ધ્વજાપૂજા, 73 સોમેશ્વર મહાપૂજા અને મહામૃત્યુંજય યજ્ઞમાં 57 હજારથી વધુ ભાવિકોએ આહુતિ આપી 

(ફૂલછાબ ન્યુઝ)

વેરાવળ, તા.17: શિવની ભક્તિ માટે પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના સૌથી પહેલા દર્શન કરવાની અપેક્ષાએ અને ભક્તિનું ભાથું ભરવા માટે મોડીરાત્રીથી હજારોની સંખ્યામાં શિવભક્તો યાત્રાધામ નગરી સોમનાથમાં પહોંચી ગયા હતા. વહેલી સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ખુલતા સમયે હર હર મહાદેવ, જય સોમનાથના જયઘોષ બોલાવતા ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. અને સમગ્ર પરિસર ‘હર હર મહાદેવ’ તથા ‘જય સોમનાથ’ ના નાદથી સતત ગુંજી રહ્યુ હતુ. સાંજે 06:00 સુધીમાં 1.43 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. જે ગત વર્ષની સરખામણીએ બમણો યાત્રી પ્રવાહ નોંધાયો છે.

શ્રાવણના પ્રથમ સોમવારે સવારે 7 વાગ્યે મહાપૂજા અને મહાઆરતી સમયે સોમનાથ મહાદેવને સફેદ વસ્ત્રો અને ગુલાબ સહિતના વિવિધ પુષ્પોનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. બાદમાં સવારે 8 વાગ્યાથી સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા સહિતની જુદી જુદી પૂજાઓનો પ્રારંભ ભાવિકોના હસ્તે પ્રારંભ થયો હતો. બાદમાં સવારે 9:30 વાગ્યે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવની ભવ્ય પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ ટ્રસ્ટી પી.કે.લહેરી, જીએમ વિજયાસિંહ ચાવડા સહિતનાના હસ્તે સોમનાથ મહાદેવના મુખારાવિંદની પૂજા અર્ચના કરાઈ હતી. બાદમાં મહાદેવના મુખારાવિંદને પાલખીમાં બેસાડીને મંદિર પરિસરમાં નગરચર્યાએ લઈ જવામાં આવ્યા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોના પ્રવાહને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા અત્યંત સુચારુ અને સફળ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સોમનાથ પહોંચવાના તમામ માર્ગો પર શિવભક્તોનો પ્રવાહ

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવવા માટે રવિવારની મોડીરાત્રીથી જ આસપાસના તાલુકાઓ-પંથકના વિસ્તારોના રસ્તાઓ તથા હાઇવે ઉપર હજારો શિવભક્તો પગપાળા યાત્રાધામ સોમનાથ તરફ પ્રયાણ કરી આવી રહ્યાનો નજારો જોવા મળ્યા હતો. શિવભક્તો માટે રસ્તાઓ ઉપર અને સામાજીક સેવાભાવી સંસ્થાઓ અને ગ્રુપો દ્વારા ફરાળ, ચા પાણીના સ્ટોલો ઊભા કરી અનેરી સેવા કરવામાં આવી રહી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક