• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ચીન-પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા ‘બોસ સ્કેમ’નો પર્દાફાશ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે પશ્ચિમ બંગાળમાંથી બે શખસની ધરપકડ કરી

ઝીપ ફાઈલ મોકલી ડિવાઈસ હેક કરી બોસના નામે કરોડોની સાયબર ઠગાઈ આચરતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.18: ભારતમાં કોર્પોરેટ કંપનીઓ અને ઉદ્યોગપતિઓને નિશાન બનાવતા આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દોઢ કરોડ રૂપિયાના આર્થિક ફ્રોડની ફરિયાદની ટેકનિકલ તપાસ દરમિયાન આ સમગ્ર રેકેટના તાર પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. ડિજીટલ ફૂટપ્રિન્ટ્સ અને સર્વેલન્સના આધારે દરોડો પાડીને બે શખસની ધરપકડ કરવામાં આવી છે. ચીન-પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા આ ‘બોસ સ્કેમ’નો અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડનું નેટવર્ક ચીન, પાકિસ્તાન, ભારત, હોંગકોંગ એમ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું છે. ઝડપાયેલા બે શખસ સાયબર ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગને ડમી સિમકાર્ડ, મોબાઈલ નંબર તથા વોટ્સેપ એકાઉન્ટ પૂરા પાડતા જૂથ સાથે સંકળાયેલા હતા. 

અમદાવાદના વેપારી પ્રવીણ બાવળીયા સાથે આચરવામાં આવેલા બોસ સ્કેમનીતપાસમાં આ મહત્ત્વની વિગતો સામે આવી હતી. 23મી જૂનના રોજ આરોપીઓએ આરબીઆઈના અધિકારી તરીકેની ઓળખ આપી વેપારીના મોબાઈલ પર વોટ્સએપ મારફતે એક ઝીપ ફાઈલ મોકલી હતી અને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવાનો ડર બતાવ્યો હતો. ત્યારબાદ કંપનીના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીના નામે વોટ્સએપ મેસેજ કરી એકાઉન્ટન્ટ પાસેથી રૂ. 1.50 કરોડ આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. વેપારીએ સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કરતાં પોલીસે રૂ. 1.13 કરોડ રિકવર કરી લીધા હતા. અમદાવાદ ક્રાઈમ સાયબર સેલે પશ્ચિમ બંગાળમાં દરોડો પાડીને દક્ષિણ 24 પરગનામાં રહેતા ઈમરાન અલિ પિયાદા (ઉં.25) અને  બેનિયાપુકરમાં રહેતા ઈન્જામુલ મોલ્લા (ઉં.30)ની ધરપકડ કરી છે. 

પોલીસ તપાસમાં ઈમરાન અલી પિયાદા ટેલિકોમ કંપનીઓના પીઓએસ (પોઈન્ટ ઓફ સેલ) તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરની એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના નામે સિમકાર્ડ મેળવવામાં આવતા અને કેટલાક કિસ્સામાં ગ્રાહકોની જાણ બહાર અન્ય સિમકાર્ડમાં મોબાઇલ નંબર એક્ટિવેટ કરાતા હતા. પોલીસના દાવા મુજબ, આ રીતે મેળવાયેલા સિમકાર્ડ, મોબાઇલ નંબર અને વોટ્સએપ એકાઉન્ટ સાયબર ગુનેગારો સુધી પહોંચાડવામાં આવતા હતા. પાંચ વર્ષમાં ઈમરાને ઈ-કોમર્સ અને ઓનલાઈન ગામિંગ માટે આશરે 21 હજાર ઓટીપી વેચીને રૂ.21 લાખથી વધુની કમાણી કરી હોવાનું જણાયું છે જ્યારે વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેશન માટે આશરે 900 ઓટીપી વેચીને રૂ. 2.25 લાખથી વધુ મેળવ્યા હોવાનું ખુલ્યું છે. બીજો આરોપી ઈન્જામુલ મોલ્લા સાયબર ફ્રોડમાં સંકળાયેલા લોકો સાથે સંપર્કમાં રહી મોબાઇલ નંબર, ડમી સિમકાર્ડ અને વોટ્સએપ આધારિત સંચાર વ્યવસ્થામાં મદદ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ટેલીગ્રામ પર ગ્રુપ બનાવીને ઓટીપીની આપ-લે કરવામાં આવતી હોવાનું જણાયું છે.  

પોલીસ તપાસમાં આ નેટવર્ક સાથે જોડાયેલા આશરે 4500 સિમકાર્ડ અને 26 રાજ્યોની 251 જેટલી સાયબર ફરિયાદો મળી આવી છે. આ કૌભાંડમાં વપરાયેલું માલવેર ચીનની સાયબર ગેંગ સાથે જોડાયેલું છે, જ્યારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આવેલા કોલ સેન્ટરથી ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરાતા હતા. ઉપરાંત, ચાઈના બેઝ્ડ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક (વીપીએન)નો ઉપયોગ કરીને બેન્ક એકાઉન્ટ્સ ઓપરેટ કરવામાં આવતા હતા. સાયબર ક્રાઇમ બ્રાન્ચે આશરે 10,000થી વધુ ડિવાઇસ ઓળખી કાઢી તેમને સુરક્ષિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક