• બુધવાર, 19 ઑગસ્ટ, 2026

ખાંડમાં અભૂતપૂર્વ તેજી સાથે ઓગસ્ટમાં 17 ટકાનો વધારો રાજકોટમાં એક કિલોનો ભાવ રૂ. 60ની નજીક પહોંચી ગયો

રાજકોટ, તા.18 (ફૂલછાબ ન્યૂઝ) : વર્ષના મોટાં તહેવારોની હારમાળા હવે દસેક દિવસમાં શરૂ થવાની છે એ પૂર્વે ખાંડના ભાવ આસમાને પહોંચી જતા મીઠાઈઓના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા એકદમ વધી ગઈ છે. ખાંડના ભાવમાં મહિનામાં જ એક કિલોએ રૂ.8થી 9ની અભૂતપૂર્વ તેજી વડે ભાવ ઐતિહાસિક ઊંચા સ્તરે પહોંચી ગયા છે. છૂટક બજારમાં રાજકોટમાં ખાંડનો ભાવ રૂ. 57થી 58 એ પહોંચતા હવે લોકોએ ખાંડનો ઉપયોગ હળવો કરવો પડે એવી પરિસ્થિતિ છે. મહિનામાં ખાંડ 17 ટકા અને વર્ષમાં 30 ટકા કરતા વધુ તેજી આવી છે.

ભારત સ્થાનિક પુરવઠો વધારવા અને ખાંડના રેકોર્ડ ભાવને નિયંત્રિત કરવા માટે મર્યાદિત ડયૂટી-મુક્ત ખાંડની આયાત અને જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોકહોલ્ડિંગ મર્યાદા કડક કરવા સહિત અનેક પગલાં લેવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે.

ખાંડનો ભાવ ઓગસ્ટ મહિનામાં પ્રતિ કિલો રૂ.8થી 9 જેટલો વધી ગયો છે. રાજકોટમાં રૂ. 48થી 49.50માં  મળતી ખાંડ રિટેઇલમાં રૂ. 57થી 58ની થઈ ચૂકી છે. એક વર્ષ પૂર્વે ખાંડ રૂ. 43થી 44માં મળતી હતી.

ગુજરાતની મિલોનો ભાવ ઓગસ્ટના આરંભે રૂ. 47થી 48 હતો તે અત્યારે રૂ. 54.50થી 55 થઈ ચૂક્યો છે. વર્ષ પૂર્વે રૂ. 41.50થી 42.00 હતો. વર્ષમાં સરેરાશ રૂ. 12થી 13 ઊંચકાઈ ગયા છે.

વરસાદની અનિશ્ચિતતા વચ્ચે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો, શેરડીને લીધે ખાંડ ઉત્પાદન ઘટવાનો ફફડાટ છે. ઉપરાંત ઇથેનોલ માટે પણ શેરડી વળી જશે તો ખાંડ બનાવામાં કાચા માલની ભારે તંગીનો સામનો કરવાનો આવશે એ ગણતરીએ અત્યારે ખાંડની તેજી ઉકળી ઊઠી છે. સરકારે તેજીને નાથવા માટે સ્ટોક મર્યાદા અને 30 દિવસમાં સ્ટોક વેચી દેવાના નિર્ણયો કર્યા છે. જોકે તેની કોઇ અસર નથી. હવે સરકાર સ્ટોક મર્યાદાનો જથ્થો અને દિવસ બન્ને ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. એ ઉપરાંત આયાત જકાત વિના ખાંડ વિદેશથી લાવવાની પણ વિચારણા છે. જો આયાત કરવામાં આવે તો પણ પોસાણ નથી કારણ કે વૈશ્વિક ભાવ ઊંચા છે.

ભારતમાં ખાંડની માગ સામાન્ય રીતે ઓગસ્ટ અને નવેમ્બર દરમિયાન વધે છે. આ સમયગાળામાં રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવાર આવે છે. એ દરમિયાન મીઠાઈઓ, કન્ફેક્શનરી અને અન્ય ખાંડ આધારિત ઉત્પાદનોનો વપરાશ વધે છે અને પુરવઠા ઉપર દબાણ પણ વધે છે

ઇ-પેપરના નવા શુલ્ક