• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન

ગુજરાતી ફિલ્મ સંગીતમાં લતા મંગેશકર, કિશોર કુમાર આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર અને ભુપિન્દર જેવા દિગ્ગજ ગાયકોના અવાજનો સુંદર ઉપયોગ કર્યો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી ) અમદાવાદ, તા. 3: ગુજરાતી સંગીત જગત માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન થઈ ગયું છે. તેમણે મોડી રાતે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતી સંગીત જગતમાં તેમનો ફાળો પ્રસંશનીય રહ્યો છે. તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. પ્રખ્યાત સંગીતકાર અવિનાશ વ્યાસના પુત્ર એવા ગૌરાંગ વ્યાસને વારસામાં જ સંગીતકળા મળી હતી. ગૌરાંગ વ્યાસ લોકસંગીત, ભજન, રાસ ગરબા અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં ફાળો આપી ચૂક્યા હતા. તેઓ 500થી વધુ ગુજરાતી ગીત-કવિઓ તથા ગઝલકારોની રચનાઓને સંગીત આપી ચૂક્યા હતા.

ગૌરાંગ વ્યાસે પોતાના પિતાની સીમી સંગીત પરંપરાને આગળ વધારીને ગુજરાતી સંગીતને પોતાની આગવી ઓળખ આપી હતી. ગૌરાંગ વ્યાસનું અવસાન માત્ર એક કલાકારની વિદાય નથી પરંતુ ગુજરાતી સંગીતની એક એવી પેઢીની વિદાય છે, જેણે ગીતને માત્ર મનોરંજન નહીં પરંતુ ગુજરાતની લાગણી, લોકસંસ્કૃતિ અને જીવન સાથે જોડાયેલું માધ્યમ બનાવ્યું હતું.

24 નવેમ્બર, 1938ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસને સંગીતનો વારસો ઘરમાંથી જ પ્રાપ્ત થયો હતો. તેમણે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયારિંગ પૂર્ણ કરી મુંબઈમાં નોકરી શરૂ કરી હતી. જોકે, સંગીત પ્રત્યેના લગાવ અને આંતરિક સૂર આગળ એન્જિનિયરિંગની નોકરી ગૌણ બની ગઈ અને તેમણે પોતાનું જીવન સંગીતને સમર્પિત કર્યું હતું. ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતમાં તેમના ફાળા બદલ તેમને ગિફા તરફથી ગોલ્ડન એવોર્ડ પણ એનાયત કરાયો હતો.

પિતા અવિનાશ વ્યાસ સાથે ‘જેસલ તોરલ’માં સહાયક તરીકે જોડાયા બાદ તેમણે ‘લાખો ફૂલાણી’ ફિલ્મથી સ્વતંત્ર સંગીતકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમણે 100થી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું, જેમાં કેતન મહેતાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ ‘ભવની ભવાઈ’ (1981), ‘મણિયારો’, ‘નસીબની બલિહારી’ અને ‘મૈયરમાં મનડું નથી લાગતું’ સહિતની ફિલ્મોમાં તેમના સંગીતની છાપ જોવા મળે છે.  તેમનાં સંગીતના કેટલાક આલ્બમોમાં ‘જલારામની ઝૂંપડી’, ‘ભજન અનમોલ’, ‘ગંગા સતીનાં ભજનો’, ‘કહત કબીર’, ‘જલારામ બાપાનું હાલરડું’, ‘પ્રાચીન પ્રભાતિયાં’ અને ‘નોન સ્ટોપ ડાંડીયા-રાસ’નો સમાવેશ થાય છે.

ગૌરાંગ વ્યાસની સંગીતયાત્રાની વિશેષતા એ પણ હતી કે તેમણે ગુજરાતી ફિલ્મ સંગીતમાં દેશના અનેક દિગ્ગજ ગાયકોના અવાજનો સુંદર ઉપયોગ કર્યો. લતા મંગેશકરના કંઠે ગવાયેલું ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ આજે પણ ગુજરાતી શ્રોતાઓનાં હૃદયમાં વસેલું છે. તેમણે આશા ભોંસલે, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, પ્રીતિ સાગર અને ભુપિન્દર જેવા જાણીતા ગાયકો પાસેથી પણ ગુજરાતી ગીતો ગવડાવ્યાં હતા. ‘લાખો ફૂલાણી’માં તેમણે કિશોર કુમારના અવાજનો પણ ઉપયોગ કર્યો હતો અને આ જ ફિલ્મમાં પ્રફુલ્લ દવેને પહેલી વખત તક આપતા, ‘મણિયારો તે હલુ હલુ થઈ રે વીયો’ જેવી રચના ગુજરાતી સંગીતપ્રેમીઓને આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક