• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

અમદાવાદમાં દવા કંપનીના નામે લોન લઈ વેપારીએ SBIને 2.81 કરોડનો ચૂનો લગાવ્યો

મોર્ગેજ કરેલી મશીનરી બેંકની જાણ બહાર વેચી નાખ્યાનો આક્ષેપ, CID ક્રાઈમમાં ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 2: અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની લઘુ ઉદ્યોગ શાખામાંથી દવા કંપની સ્થાપવાના નામે કેશ ક્રેડિટ, ટર્મ લોન સહિતનું ધિરાણ મેળવીને બેંકને સમયસર નાણાં પરત નહીં કરી વ્યાજ સહિત રૂ. 2.81 કરોડનો ચૂનો વેપારીએ ચોપડયો છે.

આ અંગે એસબીઆઈની લઘુ ઉદ્યોગ શાખાના સહાયક મહાપ્રબંધક પુરુષોત્તમ કુમાર અજય કુમાર શર્માએ ગાંધીનગરના કલોલ તાલુકાના છત્રાલ ખાતે રહેતા વેપારી ત્રિભુવનદાસ રામજીભાઈ શ્રીમાળી વિરુદ્ધ સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ ત્રિભુવનદાસ શ્રીમાળી બાકરોલ ખાતે હાયટા ક્રોપ કેર ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર છે. તેમણે એસબીઆઈની સીજી રોડ શાખા, જે બાદમાં ગાંધીગ્રામ રેલવે સ્ટેશન નજીકની લઘુ ઉદ્યોગ શાખામાં વિલીન થઈ હતી, ત્યાંથી કેશ ક્રેડિટ અને ટર્મ લોન સહિત વિવિધ યોજનાઓ હેઠળ ધિરાણ મેળવ્યું હતું.

બેંક દ્વારા કુલ રૂ. 2.14 કરોડથી વધુની રકમ લોન તથા વ્યાજ સહિત આપવામાં આવી હતી. કોરોના સમયગાળા દરમિયાન સીસીઈસીએલ અને જીઈસીએલ હેઠળ આશરે રૂ. 31 લાખનું વધારાનું ધિરાણ પણ મળ્યું હતું. લોન મેળવવા માટે કંપનીની બેલેન્સશીટ, પ્લાન્ટ-મશીનરીના દસ્તાવેજો, કોટેશન, ઈન્વોઈસ તેમજ મિલકતના ટાઈટલ અને વેલ્યુએશન રિપોર્ટ રજૂ કરાયા હતા.

જોકે, લોનના હપ્તા ભરવાનું બંધ થતાં બેંકે સ્થળ તપાસ કરી તો કંપની બંધ હાલતમાં મળી હતી અને મશીનરી પણ ગાયબ હતી. વેપારીએ મશીનરી કેટલાક શખસો લઈ ગયા હોવાનું જણાવ્યું હતું.

જોકે, બેંકના અહેવાલમાં મોર્ગેજ કરેલી મશીનરી સગેવગે કરી ચોરીની ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે સીઆઇડી ક્રાઈમે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક