ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ અને ગેરઉપયોગ સામે તંત્રની લાલ આંખ: એકનો પરવાનો રદ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.8 : કોડીન ઘટક ધરાવતી દવાઓના ગેરકાયદે ઉપયોગ, અનધિકૃત સંગ્રહ તથા વેચાણ ઉપર નિયંત્રણ
લાવવા માટે ગુજરાત રાજ્યમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ 1લી સપ્ટેમ્બરે
હાથ ધરવામાં આવી હતી. જેમાં બાલાજી ફાર્માનો 83 લાખથી વધુનો માલ જપ્ત કરવામાં આવ્યો
છે. આ ઉપરાંત, વિવિધ 7 પેઢીઓને નોટિસ અને એકનો પરવાનો રદ કરવામાં આવ્યો છે.
જનતાના
આરોગ્યના હિતમાં આવી દવાઓનો ઉપયોગ માત્ર માન્ય તબીબી પ્રિક્રિપ્શન તથા કાયદેસર માર્ગે
જ થાય તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા આ પ્રકારની તપાસ અને દેખરેખની કાર્યવાહી
રાજ્યભરમાં સતત ચાલુ જ રહેશે. આ સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં આવેલા દવાના
હોલસેલ તથા રિટેલ વેપારીઓની સઘન તપાસ હાથ ધરી, કોડીન ઘટક ધરાવતી દવાઓના ખરીદ-વેચાણ,
સંગ્રહ તથા વિતરણ સંબંધિત રેકોર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે.
આરોગ્ય
મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું હતું કે, તંત્ર દ્વારા કોડીન ઘટક ધરાવતી દવાઓના
ગેરકાયદે સંગ્રહ, અનધિકૃત વેચાણ તથા ગેરઉપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કડક કાર્યવાહી
કરવામાં આવી રહી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ સામે લાગુ કાયદા અને નિયમો મુજબ
કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાન દરમિયાન અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ-1 તથા મહેસાણા જિલ્લામાં હાથ ધરાયેલ તપાસમાં
બાલાજી ફાર્મા, અમદાવાદ ગ્રામ્ય-ગાંધીનગરમાં પેઢીના હાજર સ્ટોકમાંથી કોડીન ઘટક ધરાવતી
રેક્સટોન ટી સીરપની કુલ 37,762 બોટલ, એમઆરપી
રૂ. 220, પ્રતિ બોટલ, મળી આવી હતી.
આ જથ્થાની
અંદાજિત કિંમત રૂ. 83,07,640 થાય છે. આ જથ્થાને વધુ ઉપયોગ-વેચાણ ન થાય તે માટે પ્રતિબંધિત
કરવામાં આવ્યો છે.