• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

લાલઘૂમ તેજી છતાં એરંડાનુંવાવેતર કરવામાં ખેડૂતો નીરસ

ખરીફ પાકના વાવેતર કર્યા પછી પાણીની સમસ્યાથી ઉતારાને ગંભીર ફટકો પડશે

રાજકોટ,તા.8: (ફૂલછાબ ન્યૂઝ) એરંડામાં લાલઘુમ તેજી છતાં વાવણી વિસ્તારમાં જબરો પછડાટ જોવા મળ્યો છે. વરસાદની ખેંચ સમગ્ર ઓગસ્ટ મહિનામાં રહ્યા પછી સપ્ટેમ્બરમાં આખરી આશા તરીકે એરંડાનું વાવેતર કરવા ખેડૂતો આતુર હતા પણ વરસાદે સંપૂર્ણપણે દગો દીધો છે અને ઠેર ઠેર પાણીની સમસ્યા અત્યારથી જ વર્તાવા લાગતા વાવણીને ફટકો પડયો છે.

ગુજરાતમાં એરંડાનું વાવેતર 5.69 લાખ હેક્ટર સુધી જ સિમિત રહ્યું છે.પાછલા વર્ષની સાથે તુલના કરતા 9 ટકા જેટલો ઘટાડો દેખાય છે. જોકે સરેરાશ વાવેતર 6.84 લાખ હેક્ટર થતું હોય છે તેની તુલનાએ 17 ટકાનો ઘટાડો નોંધવામા આવ્યો છે. ખેડૂત વર્ગ કહે છે, અત્યારે ખરીફ પાકોમા મગફળી અને કપાસને પીવડાવવા માટે પાણીની મુશ્કેલી છે. કુદરતી પાણી મળતું નહી હોવાથી પાકનો વિકાસ રૂંધાય છે. એરંડા છેક ફેબ્રુઆરી સુધી સાચવવા પડે અને પાણીની જરુર રહેતી હોય છે એટલે ખેડૂતો વાવણીમાં આળસ કરી રહ્યા છે. જોકે એના કારણોમાં પાણી જ મૂળ છે કારણકે ભાવ મુદ્દે ખાસ કોઇ સમસ્યા ખેડૂતોને નથી.

એરંડાનો ભાવ અત્યારે ચાર વર્ષની ટોચ નજીક છે. વાયદા બજારમાં રેકોર્ડ સર્જાયો છે છતાં વાવેતર પર તેની અસર નથી. માર્કેટ યાર્ડમાં એરંડા રૂ. 1515ના મથાળા સુધી પહોંચી ચૂક્યાં છે.

ગુજરાતમાં કૃષિ વિભાગના આંકડાઓ પ્રમાણે કુલ વાવેતર 81.43 લાખ હેક્ટર થયું છે. જે સરેરાશ કરતા 5 ટકા ઓછું રહ્યું છે. પાછલા વર્ષમાં 83.03 લાખ હેક્ટરમાં કુલ વાવણી રહી હતી.

એરંડાની માફક ગવારમાં પણ ચોમાસાની નિષ્ફળતા પછી તેજી આવી હતી છતાં વાવેતરમાં વધારો થઇ શક્યો નથી. ગુવારનું વાવેતર 74 હજાર હેક્ટર ગયા વર્ષમાં હતુ. પણ અત્યારે તે 50 હજાર હેક્ટર આસપાસ અટકેલું છે. વાવેતરમાં 33 ટકા જેટલો ઘટાડો થયો છે. ડાંગરનું વાવેતર 9.17 લાખ હેક્ટરમાં થયું છે. જ્યારે ગયા વર્ષમાં તે 9 લાખ હેક્ટર હતુ વાવણી લગભગ સમાન થઇ ગઇ છે.

ખેડૂતોના કહેવા પ્રમાણે અત્યારે વાવેતર સમસ્યા નથી, સમસ્યા પાણીની છે. જે પાક ખેતરમાં ઉભા છે તેની પરિસ્થિતિ વિષમ છે. વરસાદી પાણીમાં વિકાસ થાય તે સિંચાઇના પાણીમાં ખૂબ જ મુશ્કેલ બને છે. ખેડૂતો બોર, કૂવા કે તળાવમાંથી પાણી સિંચીને પાકને જીવંત રાખી રહ્યા છે. વરસાદ આજે આવશે-કાલે આવશે એવી રાહમાં ખેડૂતો સિંચાઇ કરી રહ્યા છે પણ મહિના કરતા વધારે સમયથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનો છાંટો ય નથી એટલે ભારે નિરાશા છે. સરેરાશના 30-40 ટકા જ વરસાદ જ્યાં પડયા છે ત્યાં પાણીની ભારે સમસ્યા હવે થવાની છે. જોકે એનાથી ઓછો વરસાદ થયો છે ત્યાં પાકને નુક્સાની શરૂ પણ થઇ ગઇ છે. કપાસ અને મગફળી જેવા પાકમાં ઉતારાની ભારે સમસ્યા સર્જાતી હોવાની રાવ ખેડૂતો કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક