ભત્રીજાને ડૂબતો બચાવવા માટે
પાણીમાં ગયેલા કાકા પણ ઊંડા પાણીમાં ગરકાવ
(ફૂલછાબ ન્યુઝ)
ગોંડલ,તા.13:ગોંડલના આશાપુરા
ગાર્ડન પાસે આવેલા આશાપુરા ડેમમાં નહાવા પડેલા મૂળ દાહોદના કંબોઈ ગામના અને હાલ ગોંડલ
આશાપુરા ગાર્ડનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના નિર્માણકાળમાં મજૂરીકામ કરતા શ્રમિક પરિવારના
સભ્યો પૈકીનો સાત વર્ષીય બાળક પાણીમાં ઊંડાણમાં જતા ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા
માટે તેનો કૌટુંબિક કાકા પણ પાણીમાં જતાં બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની
જાણ થતાં આસપાસના લોકો દ્વારા દેકારો મચાવાયો હતો અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક
ડેમમાં જંપલાવી ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સરકારી હોસ્પિટલે
ખસેડયા હતા, જ્યારે આ ઘટનાની જાણ થતાં બી-િડવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જી.એસ. ગઢવી અને
મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.
આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર
19 વર્ષીય રામુભાઇ મગનભાઈ લીંબાના લગ્ન હજુ ત્રણ મહિના પહેલા જ થયા હતા અને તે તેના
પરિવારમાં એકના એક પુત્ર હતા, જ્યારે સાત વર્ષીય ભત્રીજા અવિનાશના પિતા અનિલભાઈ પરિવાર
સાથે ગાર્ડનમાં જ રહે છે અને તેમને સંતાનમાં અવિનાશ ઉપરાંત એક પુત્ર અને બે પુત્રીઓ
છે. વહેલી સાંજે સાતેક વાગ્યાના સુમારે બનેલી આ ગોઝારી ઘટનાને કારણે શ્રમિક પરિવારમાં
ભારે આક્રંદ છવાઈ ગયો હતો અને સમગ્ર પંથકમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે.