વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે
સતત ઓનલાઈન કામગીરી : શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્ત કરી શાળાઓમાં કમ્પ્યુટર
સહાયકની નિમણૂક કરવાની માગ
(ફૂલછાબ ન્યુઝ)
મોરબી, તા. 13 : ગુજરાતના પ્રાથમિક
શિક્ષકો પર દિવસે ને દિવસે વધતી ઓનલાઈન કામગીરીનો બોજ હવે શિક્ષણની ગુણવત્તા સામે મોટો
પ્રશ્ન બની રહ્યો હોવાની ચર્ચા ઉઠી છે. વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે શિક્ષકોનો મોટો
સમય વિવિધ એપ્લિકેશન અને પોર્ટલમાં માહિતી ભરવા, ફોટા અપલોડ કરવા, ડેટા એન્ટ્રી કરવા
અને વારંવાર એક જ પ્રકારની માહિતી અલગ-અલગ જગ્યાએ અપલોડ કરવામાં પસાર થઈ રહ્યો હોવાનો
કચવાટ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
શૈક્ષણિક સર્વેમાં ગુજરાતના પરિણામો અંગે પણ શિક્ષણજગતમાં
ચર્ચા ચાલી રહી છે. વર્ષ 1996થી 2017 સુધી યોજાયેલા વિવિધ શૈક્ષણિક સર્વેમાં ગુજરાતનું
પ્રદર્શન સારું રહ્યું હોવાનો દાવો કરવામાં આવે છે, જ્યારે ત્યાર બાદના વર્ષોમાં પરિણામોમાં
ઘટાડો નોંધાયો હોવાની ચર્ચા છે. શિક્ષકોના સંગઠનો અને શિક્ષણ સાથે જોડાયેલા લોકો આ
પાછળ વધતી બિનશૈક્ષણિક અને ઓનલાઈન કામગીરીને એક મહત્વનું કારણ ગણાવી રહ્યા છે.
શિક્ષકોના જણાવ્યા મુજબ સીટીએસ
પોર્ટલ પર વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં વિગતો અપલોડ અને અપડેટ કરવી પડે છે. ત્યારબાદ
યુડીઆઈએસઈ માં પણ મોટાભાગે સમાન માહિતી ફરીથી ભરવાની કામગીરી આવે છે. બંને સિસ્ટમમાં
એક જ પ્રકારની માહિતી હોવા છતાં અલગ-અલગ એન્ટ્રી કરાવાતી હોવાના કારણે શિક્ષકોનો સમય
વ્યર્થ જતો હોવાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓના અપાર આઈડી, ડિજિટલ
ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિની દરખાસ્તો, એસએએસ અને પ્રેશા પોર્ટલ પર પગાર બિલ સહિતની
કામગીરી પણ શિક્ષકો માટે સમયખાઉ બની રહી છે. ખાસ કરીને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શિષ્યવૃત્તિ
માટે વારંવાર અનેક વિગતો અને નવા દસ્તાવેજોની માંગ થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે.
શિક્ષકોનો આક્ષેપ છે કે માત્ર 500 રૂપિયાના બિલ માટે
પણ અનેક ઓનલાઈન પ્રક્રિયાઓ અને મોટી સંખ્યામાં કાગળોની નકલો કાઢવી પડે છે. અગાઉ સરળ
ગણાતી વ્યવસ્થાની જગ્યાએ વધુ જાટિલ પ્રક્રિયા લાગુ થતાં શિક્ષકો અને આચાર્યોને મુશ્કેલીનો
સામનો કરવો પડી રહ્યો છે.
વિવિધ પોર્ટલમાં લોગિન માટે અલગ-અલગ પાસવર્ડ, સિક્યુરિટી
પ્રક્રિયા અને કેપ્ચા ઉપરાંત સર્વર તથા ઈન્ટરનેટની સમસ્યાઓ પણ મોટી અડચણ બની રહી છે.
પાંચ મિનિટમાં પૂર્ણ થઈ શકે તેવી કામગીરી ક્યારેક કલાકો સુધી ચાલતી હોવાની શિક્ષકોની
ફરિયાદ છે.
ખાસ કરીને એસએનએ સ્પર્શ આઈએમએફ પોર્ટલની પ્રક્રિયા
અંગે શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નાના ખર્ચના બિલ માટે પણ મેકર અને ચેકર
એમ બે અલગ લોગિન, વેન્ડર રજિસ્ટ્રેશન, બેંક વિગતો, અલગ-અલગ હિસ્સાના બિલ, અનેક પ્રિન્ટ
અને ઓફિસ સુધી દસ્તાવેજો પહોંચાડવાની લાંબી પ્રક્રિયા કરવી પડતી હોવાનું જણાવાયું છે.
હાલની સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થયો છે કે શિક્ષકનો
મુખ્ય ધ્યેય વિદ્યાર્થીને ભણાવવાનો છે કે પછી દિવસભર વિવિધ એપ અને પોર્ટલમાં ડેટા એન્ટ્રી
કરવાનો? પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોને ઓનલાઈન કામગીરીના વધતા
બોજમાંથી મુક્તિ આપવી હવે સમયની તાતી જરૂરિયાત બની રહી છે.
શિક્ષણ ઉપરાંતની જવાબદારી
આ બધાની વચ્ચે શિક્ષકોને બીએલઓ
તરીકે ચૂંટણી સંબંધિત કામગીરી, એચએલઓ એપ મારફતે વસ્તી ગણતરીની કામગીરી અને એમડીએમ એપમાં
દરરોજ અલ્પાહાર તથા મધ્યાહન ભોજનની માહિતી અપલોડ કરવાની જવાબદારી પણ નિભાવવી પડે છે.