પ્રતિબંધિત સમયગાળામાં વૃક્ષો
કપાયાની ફરિયાદ ; જાગૃત નાગરિકે તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી
ઉપલેટા, તા.13 : ઉપલેટા તાલુકા
પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં વર્ષો જૂના લીલાછમ વૃક્ષોનું કથિત ગેરકાયદે છેદન કરાયું
હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે એક જાગૃત નાગરિકે પરિક્ષેત્ર વન અધિકારી, તાલુકા વિકાસ
અધિકારી, નગરપાલિકાના મુખ્ય અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરી સઘન તપાસની માગ
કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, ગુજરાત
સરકારના વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર મુજબ દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર સુધીનો
સમય વૃક્ષછેદન માટે પ્રતિબંધિત સમયગાળો ગણાય છે. તેમ છતાં તાલુકા પંચાયતના પ્રાંગણમાં
વૃક્ષો કાપવામાં આવ્યા હોવાના આક્ષેપથી જવાબદાર તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા
છે. વન વિભાગ, પંચાયત વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સંયુક્ત સ્થળ તપાસ કરવાની
માગ કરાઈ છે. જો વૃક્ષો કાપવા માટે કોઈ મંજૂરી અપાઈ હોય તો તેના દસ્તાવેજોની પણ ચકાસણી
કરવા જણાવાયું છે. સરકારી કમ્પાઉન્ડમાં બહારના લોકો મશીનરી સાથે પ્રવેશી વૃક્ષો કાપે
અને જવાબદાર અધિકારીઓને જાણ ન થાય તે બાબત પણ શંકાસ્પદ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
તેથી જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે કાયદાકીય તથા ખાતાકીય કાર્યવાહી કરવાની માગ કરાઈ
છે. ઉપરાંત ફરિયાદીની હાજરીમાં બે સરકારી પંચ સાથે સ્થળ પંચનામું કરી તપાસના અહેવાલો
અને એક્શન ટેકન રિપોર્ટની નકલો આપવા માગ કરાઈ છે. 7થી 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય
તો ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની ચીમકી અપાઈ છે.