નજીવા કમિશન માટે બે વ્યક્તિ બન્યા એજન્ટ; ત્રણ શખસ સામે ફરિયાદ
મોરબી, તા.26: બેંક ખાતાં ભાડે
આપી નજીવું કમિશન મેળવવાના પ્રલોભનમાં સાયબર ઠગાઈના કૌભાંડમાં સંડોવણી સામે આવતાં મોરબીના
ત્રણ શખસ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓના બેંક ખાતામાં
3,49,61,073ની રકમ જમા થઈ હતી, જેને યુપીઆઇ, આઇએમપીએસ અને આરટીજીએસ મારફતે અન્ય ખાતાંમાં
ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
મોરબી સાયબર ક્રાઇમના પીએસઆઇ
અશોકકુમાર સત્યનારાયણ શુક્લાએ ભાવેશ હરેશ વઘોરા, જિતેન્દ્ર ઉર્ફે હિતેષ ઉર્ફે હિતો
દિનેશભાઈ ચાવડા અને નિલેશ રવજીભાઈ કાસુન્દ્રા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ
મુજબ, આ કથિત ઠગાઈ 23 ફેબ્રુઆરીથી 2 જૂન દરમિયાન આચરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભાવેશ
વઘોરાના બેંક ખાતામાં મોટી રકમના વ્યવહારો સામે આવ્યા હતા. પૂછપરછમાં તેણે ગેરેજમાં
કામ કરતો હોવાનું અને નાણાંની જરૂરિયાતને કારણે મિત્ર જિતેન્દ્રનો સંપર્ક કર્યો હોવાનું
જણાવ્યું હતું. જિતેન્દ્રએ બેંક ખાતું આપવાના બદલામાં નિલેશ પાસેથી રૂ. 15 હજાર મેળવ્યા
હતા, જેમાંથી રૂ. 5 હજાર ભાવેશને આપ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસના જણાવ્યા
અનુસાર, ખાતામાં જમા થયેલી રકમમાંથી રૂ. 74 હજારના વ્યવહારો અંગે ગુજરાત અને રાજસ્થાનની
બે ફરિયાદો સમન્વય અને એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આ મામલે
મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.