• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

દરિયામાં સાત કિ.મી. દોડશે, જમીનથી 100 ફૂટ નીચે સ્ટેશન દેશની પ્રથમ બુલેટ ટ્રેન અંગે વૈષ્ણવે આપી મહત્ત્વની માહિતી

મુંબઇ, તા. 26 : દેશમાં પહેલી બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે. આ માટે ટ્રેક, બ્રિજ અને ટનલ તેમજ રેલવે સ્ટેશનોનું નિર્માણ કાર્ય યુદ્ધનાં ધોરણે પૂરું કરવામાં આવી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આવતા વર્ષ 2027થી આ બુલેટ ટ્રેન હાઇસ્પીડ ટ્રેક પર દોડવા લાગશે. 

રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ પ્રોજેક્ટ પર મોટું અપડેટ આપતાં જણાવ્યું છે કે ભારતની પહેલી બુલેટ ટ્રેન હવે આકાર લઈ રહી છે. આ સાથે જ તેમણે હાઇ-સ્પીડ ટ્રેન માટે તૈયાર કરવામાં આવી રહેલા રેલવે સ્ટેશનો અને અંડર-સી ટનલ વિશે વિગતવાર માહિતી શેર કરી છે.

તેમણે લખ્યું કે, ભારતની પહેલી બુલેટ ટ્રેન હવે માત્ર એક જાહેરાત રહી નથી, પરંતુ આ 508 કિલોમીટરનું બાંધકામ છે, જે પૂરી ઝડપથી ચાલી રહી છે. તેની પહેલી સેવા વર્ષ 2027ના આખરી ક્વાર્ટરમાં શરૂ થશે અને તે પહેલીવાર અમદાવાદ-મુંબઈ હાઇ-સ્પીડ ટ્રેક પર દોડશે.

રેલમંત્રીની પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈના બિઝનેસ ડિસ્ટ્રિક્ટની વચ્ચે આવેલા બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જમીનથી લગભગ 100 ફૂટ નીચે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે, જેની ઊંડાઈ 10 માળની ઇમારત કરતાં પણ વધારે છે. આ હાઇસ્પીડ રેલ કોરિડોર પર આ એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે, જે પોતાનામાં એક મોટી એન્જિનીયારિંગ વાર્તા છે.

આ અંડરગ્રાઉન્ડ સ્ટેશનથી થોડા કિલોમીટરના અંતરે થાણે ક્રીક નીચે ખડકને કાપીને ભારતની પહેલી અંડર-સી રેલ ટનલ બનાવવામાં આવી રહી છે, જ્યાંથી બુલેટ ટ્રેન હાઇ-સ્પીડથી પસાર થશે.

જ્યારે બુલેટ ટ્રેન તેની ફુલ સ્પીડમાં હશે, ત્યારે તે 320 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિથી દોડશે, જ્યારે અમદાવાદથી મુંબઈ વચ્ચે તે સરેરાશ 300 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક