• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

તાલાલા પંથકમાં ધરતીકંપનાં વધુ 5 આંચકા અનુભવાયા

ભૂકંપનું એપીસેન્ટર તાલાલા ગીરથી 10 થી 16 કિ.મી દૂર નોર્થ-નોર્થ-ઇસ્ટ દિશામાં નોંધાયું

(ફૂલછાબ ન્યુઝ)

તાલાલા ગીર, તા.25 : તાલાલા પંથકમાં ધરતીના પેટાળમાં હિલચાલ યથાવત્ રહેતા મોડીરાત્રીથી સવાર સુધીમાં ધરતીકંપના પાંચ આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા છે. તા.21 થી તા.25 સુધીમાં કુલ 19 આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા પ્રસરી છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા વિગત પ્રમાણે તાલાલા પંથકમાં મોડી રાત્રે 3:22 કલાકે 2.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ત્યારબાદ બીજો આંચકો 03:43 કલાકે નોંધાયો હતો જેની તીવ્રતા 1.4 હતી. ત્રીજો આંચકો 4:04 કલાકે નોંધાયો હતો જેની તીવ્રતા 1.2 હતી. ચોથો આંચકો 4:13 કલાકે નોંધાયો હતો તેની તીવ્રતા 1.0 હતી ત્યારબાદ સવારે 9:55 કલાકે પાંચમો આંચકો નોંધાયો હતો તેની તીવ્રતા 1.4 હતી.પાંચેય આંચકાનું એ.પી.સેન્ટર તાલાલા ગીરથી 10થી 16 કિ.મી દૂર નોર્થ-નોર્થ-ઇસ્ટ દિશામાં નોંધાયું હતું. તમામ આંચકા ભૂગર્ભમાંથી માત્ર 6 કિ.મી.ની ઊંડાઈએથી આવ્યા હતા.

 મોડી રાત્રે પોણા કલાકની અંદર ચાર આંચકા અનુભવાતા મીઠી નિંદર માણી રહેલા લોકો સફાળા જાગી ગયા હતા. આ ધરતીકંપના આંચકા ની અસર ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલા અનેક ગામોમાં થઈ હતી. તા.21થી 25 સુધીમાં ઉપરાઉપરી ધરતીકંપ નાં 19 આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તાલાલા પંથકમાં ધરતીકંપના આંચકાથી કોઈ નુકસાનીના અહેવાલ મળ્યા નથી.

ઇ-પેપરના નવા શુલ્ક