• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

15 મીટરથી ઊંચી ઈમારત માટે હવે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત

ગુજરાતમાં ફાયર સેફ્ટીના નવા કડક નિયમો જાહેર; ઔદ્યોગિક એકમો માટે 1 એપ્રિલ, 2027થી અમલ

હોસ્પિટલો, શૈક્ષણિક સંકુલો અને કોમર્શિયલ બિલ્ડિંગો નવા નિયમોના દાયરામાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.25 : ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગે રાજ્યમાં આગની દુર્ઘટનાઓ અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ફાયર સેફ્ટીના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. સરકારે ‘ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ સુધારા નિયમો, 2026’નું સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા નિયમો હેઠળ વિવિધ પ્રકારની ઇમારતો અને જાહેર સ્થળો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તથા સુરક્ષાનાં સાધનોની જોગવાઈઓ વધુ કડક બનાવવામાં આવી છે. નિર્ધારિત શ્રેણીના ઔદ્યોગિક એકમો માટે નવા નિયમોનો અમલ 1 એપ્રિલ, 2027થી થશે.

નવા નિયમો મુજબ, 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી હાઇરાઇઝ ઇમારતો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. જ્યારે 9 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા શૈક્ષણિક સંકુલો અને હોસ્પિટલોનો પણ તેમાં સમાવેશ કરાયો છે. 500 ચોરસ મીટરથી વધુ બાંધકામ ધરાવતી હોટલો, વ્યાપારી, મર્કેન્ટાઇલ, સ્ટોરેજ, જોખમી પ્રવૃત્તિઓ અને મિશ્ર ઉપયોગવાળી ઇમારતોને પણ નિર્ધારિત શરતોને આધારે આ નિયમો લાગુ પડશે. તમામ એસેમ્બલી બિલ્ડિગો, મલ્ટિલેવલ કાર પાર્કિંગ અને કોઈપણ માળે 300 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં એસેમ્બલી પ્રવૃત્તિ ધરાવતી ઇમારતો માટે પણ જોગવાઈ કરાઈ છે. બે કે તેથી વધુ બેઝમેન્ટ ધરાવતી ઇમારતો તેમજ 500 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા એક બેઝમેન્ટવાળી ઇમારતો પણ નિયમોના દાયરામાં આવશે. તમામ પેટ્રોલ પંપ અને મંડપ, ટેન્ટ તથા પંડાલ જેવા હંગામી બાંધકામો માટે પણ સુરક્ષાનાં કડક ધોરણો લાગુ કરાશે.

ઇમારતોમાં પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો, ફાયર ચેક ડોર, સ્મોક મેનેજમેન્ટ, અગ્નિશામક સાધનો, હોઝ રીલ, ઓટોમેટિક ફાયર ડિટેક્શન અને એલાર્મ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પ્રિકલર, હાઇડ્રન્ટ, પાણીના સંગ્રહ, ફાયર પંપ, લિફ્ટ, સ્ટેન્ડબાય વીજપુરવઠો, રેફ્યુજ એરિયા અને ફાયર કંટ્રોલ રૂમ જેવી સુવિધાઓની જોગવાઈ કરાઈ છે.

પ્રાદેશિક ફાયર અધિકારી અથવા મુખ્ય ફાયર અધિકારી જરૂર જણાય તો ઇમારતના માલિક કે કબજેદારને વધારાનાં સુરક્ષાત્મક પગલાં લેવા આદેશ આપી શકશે. સરકાર પણ ચોક્કસ ઇમારતો અને વિશેષ વિસ્તારો માટે વધારાનાં ધોરણો લાગુ કરી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક