• શનિવાર, 21 નવેમ્બર, 2026

ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ 11,733 પંચાયતો માટે 2.16 કરોડ મતદારોની યાદી પ્રસિદ્ધ

ડિસેમ્બરના પ્રથમ કે બીજા સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા; રાજકોટમાં સૌથી વધુ 563 અને ડાંગમાં સૌથી ઓછી 51 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે

ગાંધીનગર તા.20

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને લઈને રાજ્યનું વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. રાજ્યના કુલ 34 જિલ્લાઓની 11,733 ગ્રામ પંચાયતો માટે મતદારોની પ્રાથમિક યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં  કુલ 2,16,24,162 મતદારો નોંધાયા છે. જેમાં 1,11,25,000 પુરુષ, 1,04,98,974 મહિલા અને 188 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ હવે આખરી મતદાર યાદી આ મહિનાના અંત સુધીમાં જાહેર થવાની શક્યતા છે. આ પરિસ્થિતિમાં ડિસેમ્બરના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. જોકે, નાતાલના તહેવારને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ પણ અંતિમ તબક્કામાં છે. આગામી 4 જાન્યુઆરીએ નવી મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હોવાથી ચૂંટણી પ્રક્રિયાના સમયપત્રક પર તેની અસર પડી શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક