ફૂલછાબનું કાર્ય હંમેશાં સમાજ ઉપયોગી અને હિતમાં હોય છે ઃ મેયર ડો.નેહલ શુક્લના હસ્તે ફૂલછાબ ભવનમાં મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું
રેસકોર્સમાં યોજાનાર રામકથામાં રામકૃષ્ણ આશ્રમનો આધ્યાત્મિક સહયોગ, ‘િવદ્યાવૃક્ષ’ શિક્ષણ પ્રકલ્પનો પણ થશે પ્રારંભ
સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, રામકૃષ્ણ આશ્રમના સંત જગદીશ સ્વામી તેમજ સ્વામી મેઘજાનંદજી, બાલાજી વેફર્સના ચંદુભાઈ, હાથી મસાલાવાળા સુધીરભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
રાજકોટ,તા.20 ઃ રાજકોટમાં વર્ષ 2027ના પ્રારંભે આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને લોકશિક્ષણનો ત્રિવેણી સંગમ સર્જાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના 106 વર્ષ જૂના લોકપ્રિય અખબાર ‘ફૂલછાબ’ દ્વારા મોરારિબાપુની નવ દિવસીય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 9થી 17 જાન્યુઆરી-2027 દરમિયાન
રેસકોર્સ ખાતે યોજાનારી આ રામકથાના કાર્યાલયનું ઉદ્ઘાટન આજે રાજકોટના મેયર ડૉ.નેહલ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે કથાની મંગલ પૂર્વભૂમિકા રચાઈ હતી.
આ પ્રસંગે મેયર ડો.નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, ‘ફૂલછાબ’ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું અખબાર છે અને આ દૈનિક હંમેશાં સમાજના હિતમાં અને સમાજને ઉપયોગી થાય તેવું જ કાર્ય કરતું હોય છે આજે જ્યારે બ્રાકિંગ ન્યુઝની હોડ છે ત્યારે ફૂલછાબ કયારેય આ પ્રકારની કોઈ સ્પર્ધામાં પડÎું નથી, સત્યને વરેલા સમાચારોને જ પ્રાધાન્ય આપે છે. આવા ફૂલછાબ દૈનિકના આંગણે મોરારિબાપુની કથાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સોનામાં સુગંધ ભળી કહેવાય. રાજકોટને, લોકશાહીને જીવંત રાખવામાં સમગ્ર ભારતમાં ફૂલછાબ અને તેમના ટ્રસ્ટીઓનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે ત્યારે આવા સમાજસેવાના પ્રકલ્પનું એક કાર્ય કરી રહ્યાં છે તે બદલ હું અભિનંદન પાઠવું છું.
ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાયા અને મેનેજર નરેન્દ્ર ઝીબાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, મોરારિબાપુએ જૂન 2026માં રાજકોટમાં રામકથા માટેની તારીખો ફાળવી હતી. રાજકોટના રામકૃષ્ણ આશ્રમને ફેબ્રુઆરી 2027માં સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ઐતિહાસિક અવસરે આશ્રમ પણ કથામાં આધ્યાત્મિક સહયોગી તરીકે જોડાયો છે. આ રામકથા માત્ર આધ્યાત્મિક આયોજન પૂરતી સીમિત નથી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં શિક્ષણનો વ્યાપ વધારવા ‘િવદ્યાવૃક્ષ’ નામનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. અંદાજિત રૂ.1000 કરોડના
બજેટ ધરાવતા આ પ્રકલ્પ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક શૈક્ષણિક સુવિધાઓ અને એઆઈ જેવી ટેક્નોલોજીનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. આ પ્રકલ્પનો આરંભ રામકથા થકી કરવામાં આવશે. ફૂલછાબ, જન્મભૂમિ અને કચ્છમિત્રની ટીમ તથા સહયોગી સંસ્થાઓ આ આયોજનને સફળ બનાવવા કાર્યરત છે. સૌરાષ્ટ્રના વાચકો અને રામકથાપ્રેમીઓને આ આધ્યાત્મિક મહોત્સવમાં ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નવ દિવસ દરમિયાન દરરોજ કથાશ્રવણ બાદ શ્રોતાઓ માટે ભોજનપ્રસાદની વ્યવસ્થા રહેશે. સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ જીવનલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવશે. ખાસ કરીને યુવા પેઢી મોટી સંખ્યામાં જોડાય તે માટે આયોજકો દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાનોમાં મેયર ડૉ.નેહલ શુકલ, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, રામકૃષ્ણ આશ્રમના સંત જગદીશ સ્વામી તેમજ સ્વામી મેઘજાનંદજી, પૂર્વ સાસંદ રામભાઈ મોકરિયા, કોર્પોરેટર ઘનશ્યામ હેરભા, ભાજપ મહિલા મોરચાના અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત, બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, વિરપુર જલારામ પરિવારમાંથી ભરતભાઈ ચાંદ્રાણી, મહિલા ગુરુકુલના સ્થાપક વસંતભાઈ લીંબાસીયા, હાથી મસાલાવાળા સુધીરભાઈ દુબલ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, કરુણા ફાઉન્ડેશનના મિતલ ખેતાણી, સદ્ભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા, સામાજિક અગ્રણી યોગિનભાઈ છનિયારા, શિવશક્તિ ડેરીવાળા જગદીશ અકબરી, અગ્રણી ઉદ્યોગપતિ હરિસિંઘ સુચરિયા, શ્રીમદ્ રાજચંદ્ર ગ્રુપના વિનયભાઈ જસાણી, આત્મીય યુનવર્સિટીના પ્રતિનિધિ જીજ્ઞેશભાઈ રાઠોડ ગીતાંજલી કોલેજના શૈલેષભાઈ જાની, મહાનુભાવોમાં ભદ્રાયુ વચ્છરાજાની, જીમી અડવાણી, અરુણ નિર્મલ, રાજુ યાજ્ઞિક, અનુપમ દોશી, અશ્વિનભાઈ લોઢિયા, હબીબભાઈ કટારીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.
બોક્સ ઃ
ફૂલછાબ ક્યારેય પોતાના સિદ્ધાંતોને છોડતું નથી
સમાજને ઉપયોગી કોઈપણ કાર્ય થતું હોય ત્યારે ફૂલછાબ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ફૂલછાબ ક્યારેય પોતાના સિદ્ધાંતોને છોડતું નથી, સમાજના વિકાસ માટે કેવી રીતે ઉપયોગી થવું એવી એક સારી ભાવનાથી ફૂલછાબ કાર્ય કરી રહ્યું છે. પાણી વિતરણ હોય કે વૃક્ષારોપણ કે ગાયોના ઘાસચારાની બાબત હોય ફૂલછાબ તેમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. આ કથામાં તમામ શહેરીજનો અન્ન, મન અને ધનથી જોડાય તેવો મારો અનુરોધ છે.
- ધારાસભ્ય રમેશ ટીલાળા
ફૂલછાબ એ લોકપ્રશ્નોને વાચા આપતો સમૂહ છે
રામ રામ..., ફૂલછાબના
આંગણે રામકથા યોજાઈ રહી છે તૈયારીના ભાગરૂપે કાર્યાલયનો પ્રારંભ કરાયો છે. ખૂબ સારી રીતે કથા સંપન્ન થાય તે માટે હૃદયથી શુભકામના પાઠવું છું. ફૂલછાબ એ લોકપ્રશ્નોને વાચા આપતો સમૂહ છે, આઝાદી કાળથી લઈને અત્યારસુધી સળંગ અને સતત લોકપ્રશ્નોને વાચા આપવાનું કામ ફૂલછાબના માધ્યમથી થતું રહ્યું છે. મારા મતે રામાયણ પણ લોકજીવનને ઘડવા માટેનો તુલશીદાસજીનો સુંદર પ્રયાસ છે. મોરારિબાપુ વક્તા તરીકે પધારે છે તે આપણું સૌભાગ્ય છે. આ રામકથામાં રાજકોટ અને સૌરાષ્ટ્રભરના નાગરિકો જોડાય અને લાભ લે તેવો અનુરોધ છે. પ્રભુ શ્રીરામના જીવનચરિત્રને બાપુના કંઠે માણવાનો લહાવો ચુકવો ન જોઈએ.
- સાંસદ પરસોતમભાઈ રૂપાલા
ધાર્મિક અને સતકાર્યમાં તમામ લોકોને જોડાવા અપીલ
લોકપ્રિય અખબાર ફૂલછાબ દ્વારા સામાજિક કાર્યો માટે રાજકોટના આંગણે આયોજીત મોરારિબાપુની રામકથા યોજાઈ રહી છે તે સૌરાષ્ટ્ર માટે આનંદની વાત છે. આ ધાર્મિક અને સતકાર્યમાં તમામ લોકો તન, મન, ધનથી આ કથામાં જોડાય તેવી અપીલ છે.
- પૂર્વ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા