• શનિવાર, 21 નવેમ્બર, 2026

બાંગલાદેશના વિદેશ રાજ્યમંત્રીના ઘરે આગજની

હિંસા અવિરતઃ વડાપ્રધાન તારીક રહેમાને હસીનાની સાથે ભારત પર લગાવ્યું નિશાન

નવી દિલ્હી, તા. 20ઃ બાંગ્લાદેશમાં રાજકીય હિંસાનું મોજું યથાવત છે. શુક્રવારે વિદેશ રાજ્ય મંત્રી હુમાયું કબીરના નિવાસસ્થાને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, જેના કારણે ત્યાં આગ લાગી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં, ગુરુવારે પ્રદર્શનકારીઓએ પૂર્વ વડા મુહમ્મદ યુનુસના નિવાસસ્થાનને પણ આગ લગાવી દીધી હતી. વડાપ્રધાન તારિક રહેમાને પૂર્વ પીએમ શેખ હસીનાની સાથે પરોક્ષ રીતે ભારત પર હિંસા ભડકાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસીની તૈયારીઓ અને તેમના પક્ષ અવામી લીગ દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી બંધના એલાન વચ્ચે પરિસ્થિતિ વધુ બગડી રહી છે.

અનેક જિલ્લાઓમાં આગચંપી, તોડફોડ અને હુમલાની ઘટનાઓ સામે આવી હતી. દરમિયાન તારિક રહેમાને અવામી લીગ પર હિંસા ભડકાવવાનો અને દેશની અંદર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.

ગુરુવારે એક રેલીને સંબોધતાં રહેમાને જણાવ્યું હતું કે, જે લોકો 16 વર્ષ સુધી બળજબરીથી સત્તા પર રહ્યા બાદ દેશ છોડીને ભાગી ગયા છે, તેઓ હવે સરહદની પેલે પારથી બાંગલાદેશ વિરુદ્ધ ષડયંત્રો રચી રહ્યા છે.

તેમણે ટિપ્પણી કરી કે તેમના ‘આકાઓ’ એ જ દેશોમાં રહે છે જ્યાં તેઓ ભાગી ગયા છે, અને તેઓ આ આકાઓને ખુશ કરવા માટે બાંગલાદેશ વિરુદ્ધ કાવતરાં ઘડી રહ્યા છે. દેશ છોડ્યા પછી પણ, તેમણે આગચંપી અને લોકોની હત્યા કરવાની તેમની રાજનીતિ છોડી નથી.

જોકે તારિકે કોઈ ચોક્કસ દેશનું નામ લીધું ન હતું, પરંતુ તેમની આ ટિપ્પણીઓને ભારત તરફના ઈશારા તરીકે જોવામાં આવી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક