દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થશે તો નાની બોટના માછીમારોની આજીવિકા છીનવાશે; પીલાણા ધારકોએ પ્રોજેક્ટ સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ
પોરબંદર, તા.20ઃ જેતપુરના સાડી ઉદ્યોગમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં ભેળવવાના પ્રોજેક્ટને લઈને માછીમાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ પ્રોજેક્ટ અમલમાં આવે તો તેની સૌથી વધુ અસર નાની બોટ ધરાવતા માછીમારો પર પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે નાના માછીમારો માટે દરિયો જ રોજીરોટીનું એકમાત્ર સાધન છે.
પોરબંદર બંદર વિસ્તારમાં યોજાયેલી પીલાણા ધારકોની બેઠકમાં માછીમાર આગેવાનો, બોટ માલિકો, ખલાસીઓ અને મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. માછીમારોના જણાવ્યા મુજબ, કેમિકલયુક્ત પાણી દરિયામાં ભળવાથી માછલીઓ, ઝીંગા, કરચલા સહિતની દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થઈ શકે છે. પરિણામે માછીમારીનું ઉત્પાદન ઘટશે અને સૌથી પહેલાં તેની અસર મર્યાદિત મૂડીથી નાની બોટ ચલાવતા પરિવારો પર પડશે.
માછીમારોનો સવાલ છે કે, માછલીઓનું ઉત્પાદન ઘટશે તો ડીઝલ, જાળ અને બોટના ખર્ચ કેવી રીતે નીકળશે ? માત્ર બોટ માલિકો જ નહીં, ખલાસીઓ, માછલીના વેપારીઓ અને આ વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓની રોજીરોટી પણ જોખમમાં મુકાશે. માછીમારોએ પ્રોજેક્ટ રદ કરવાની, નિષ્પક્ષ પર્યાવરણીય અભ્યાસ કરવાની, બંદરનું ડ્રાજિંગ કરવાની અને અન્ય સમસ્યાઓનો ઉકેલ લાવવાની માગ કરી છે. માગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન અને બંદર બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. ઉદ્યોગોના પાણીના નિકાલની કિંમત પોરબંદરના ગરીબ માછીમારો પોતાની રોજીરોટી ગુમાવીને ચૂકવે તે કેટલું યોગ્ય ?