ડાકોરમાં 354 વીઘા જમીન ખરીદી મોટું વળતર આપવાની લાલચ આપી હતી; રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરાપિંડીનો ગુનો નોંધાયો
રાજકોટ, તા. 19ઃ રાજકોટના નિવૃત્ત શિક્ષણાધિકારી સાથે રૂ.1.25 કરોડની છેતરાપિંડીના ચકચારી પ્રકરણમાં આખરે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં
ગુનો નોંધાયો છે. ડાકોરમાં 300થી 400 વીઘા જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાના
નામે રોકાણ કરાવી મોટું વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી. આફ્રિકાથી કરોડોનું દાન
આવવાનું હોવાનું જણાવી વૃદ્ધ પાસેથી જમીનના સોદા પેટે રોકડ રકમ પડાવી લેવાઈ હતી. વર્ષો
સુધી નાણાં કે જમીનનો દસ્તાવેજ નહીં મળતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
આ અંગે નિવૃત્ત શિક્ષણાધિકારી નરાસિંહભાઈ
લઘરભાઈ વાઢેર (ઉં.વ.72)એ ચિંતન અશ્વિન પરમાર, જેકીકુમાર શરદ રામી, લાલજી બાવ ઢોલા, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામી
ઉર્ફે ડી.પી. સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ,
વર્ષ 2020માં ચિંતન પરમારે ડાકોરમાં મંદિરના પ્રોજેક્ટમાં રોકાણની વાત
કરી હતી. ત્યારબાદ સંતો સાથે મુલાકાત કરાવી 354.70 વીઘા જમીનનો રૂ.2.76 કરોડમાં સોદો નક્કી કરાવ્યો હતો. તા.8 જૂન, 2020ના રોજ જમીન પેટે રૂ.1.24 કરોડ રોકડા આપીને સાટાખત કરાવ્યું હતું. જોકે,
આફ્રિકાથી દાન આવવાનું બહાનું બતાવી અસલ સાટાખત
પણ સ્વામીઓએ પોતાની પાસે રાખી લીધું હતું.
વળતરની લાલચ અધૂરી,
જમીન પણ નહીં ને નાણાં પણ નહીં
સમય પસાર થતાં આરોપીઓએ નાણાં પરત આપ્યા નહીં
કે જમીનનો દસ્તાવેજ પણ કરી આપ્યો નહીં. અગાઉ ડાકોર પોલીસમાં અરજી કર્યા બાદ જમીનના
દસ્તાવેજની નવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ તેનું પણ પાલન થયું નહોતું. અંતે આર્થિક ગુના નિવારણ શાખાએ
પાંચેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ તપાસમાં વિલંબ અને આરોપીઓ સામે અગાઉ
નોંધાયેલા ગુનાઓ છતાં કાર્યવાહી ન થવા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.