અગાઉ મતદાર તરીકે નોંધાયેલા નાગરિકોને ચૂંટણી પંચની મોટી રાહત;
માત્ર
અગાઉ નામ નોંધાયેલું હોવાના આધારે ખોટી ઘોષણાનો ગુનો નહીં બને
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,તા.21
: મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (એસઆઈઆર) પ્રક્રિયા દરમિયાન પ્રસિદ્ધ થયેલી મુસદ્દા
મતદાર યાદીમાં જેમનાં નામ સામેલ નથી, તેવા નાગરિકો માટે ભારતના ચૂંટણી પંચે મહત્ત્વપૂર્ણ
સ્પષ્ટતા કરી છે. અગાઉ મતદાર તરીકે નોંધાયેલા હોવા છતાં મુસદ્દા યાદીમાં નામ ન હોય
તેવા નાગરિકો પણ ફોર્મ-6 ભરીને આખરી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકશે. આ
નિર્ણયથી મતદારોમાં પ્રવર્તતી કાયદાકીય મૂંઝવણનો અંત આવ્યો છે.
એસઆઈઆરની
કામગીરી બાદ અનેક મતદારોમાં એવી દ્વિધા ઊભી થઈ હતી કે અગાઉ મતદાર તરીકે નોંધાયેલા હોવા
છતાં નવેસરથી ફોર્મ-6 ભરવાથી તેમાં આપેલી ઘોષણા ખોટી ગણાશે કે કેમ? કારણ કે ફોર્મ-6માં
અરજદારનું નામ પ્રથમ વખત મતદાર યાદીમાં ઉમેરાતું
હોવાની ઘોષણા સામેલ છે. આથી અગાઉ નોંધાયેલા મતદારોને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ,
1950ની કલમ-31 હેઠળ ખોટી ઘોષણા બદલ કાયદાકીય કાર્યવાહી થવાની આશંકા સતાવતી હતી.
ચૂંટણી
પંચે સ્પષ્ટ કર્યું છે કે ફોર્મ-6 હેઠળની ઘોષણા 1 ઓગસ્ટ, 2022થી અમલમાં છે. મુસદ્દા
મતદાર યાદીમાં નામ ન ધરાવતા નાગરિકો અગાઉ મતદાર તરીકે નોંધાયેલા હતા કે નહીં તેની પરવા
કર્યા વિના નિયત પ્રક્રિયા મુજબ ફોર્મ-6 રજૂ કરી શકશે. આ ફોર્મનો હેતુ વર્તમાન મતદાર
યાદીમાં નામ સામેલ કરાવવાનો છે. તેથી અગાઉ મતદાર રહી ચૂક્યા હોવાના એકમાત્ર કારણસર
તેમની ઘોષણાને ખોટી ગણવામાં આવશે નહીં.
દિલ્હી
હાઈકોર્ટના 14 ઓક્ટોબર, 2026ના નીલોત્પલ દત્તા વિરુદ્ધ ભારતના ચૂંટણી પંચના ચુકાદાને
પણ આ સ્પષ્ટતા સુસંગત છે. જોકે, અરજદાર અન્ય કોઈ લોકસભા કે વિધાનસભા મતવિસ્તારમાં હાલમાં
મતદાર તરીકે નોંધાયેલા ન હોવા જોઈએ અને ફોર્મમાં આપેલી વિગતો સાચી હોવી જરૂરી છે. આ
શરતોનું પાલન થતું હોય તો અગાઉ નોંધાયેલા હોવાના આધારે તેમની સામે કલમ-31 હેઠળ દંડાત્મક
કાર્યવાહી શરૂ કરવામાં આવશે નહીં.