• બુધવાર, 01 મે, 2024

ગુજરાતમાં લોકસભાની અડધો ડઝન બેઠકો પર ક્ષત્રિય મતોનો ભાજપને પડકાર

ઋષિકેશ વ્યાસ

અમદાવાદ, તા.16 : ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરેસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ લાલઘુમ છે. ગુજરાતની લોકસભાની 26 બેઠકોમાંથી ઓછામાં ઓછી 6 બેઠકો પર ભાજપને ક્ષત્રિય મતો અસર કરી શકે છે. ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી લોકસભાની બેઠકોમાં ખેડા, આણંદ, પંચમહાલ, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છ બેઠકનો સમાવેશ થાય છે. જો કે રાજ્યમાં સુરત, ડાંગ અને નવસારી સિવાયની તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજના મતો વત્તા ઓછા અંશે અસરકર્તા રહે છે.

નોંધનીય બાબત એ છે કે, જ્યારે કોઇપણ સમાજનું સામાજિક આંદોલનનો ઉદ્દભવ થાય તેના પગલે મતોમાં ફેરફાર થવાની પૂરી સંભાવના રહેલી છે. ગુજરાતમાં શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની આગ  ગુજરાત જ નહીં પરંતુ ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ફેલાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં ખેડા અને આણંદ બેઠક પર ક્ષત્રિયના મતોની ટકાવારી 45 ટકા જેટલી છે જ્યારે સુરેન્દ્રનગરમાં અંદાજિત 3.5 લાખ, ભાવનગરમાં અંદાજિત 3થી 3.5 લાખ, કચ્છમાં 3.52 લાખ જ્યારે પંચમહાલ બેઠક પર 30 ટકા મતો ક્ષત્રિયો અને ઓબીસીના છે. નવાઇની વાત એ છે કે, ભરૂચ લોકસભા બેઠક પર પણ 2.38 લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે. જ્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પર અંદાજિત 7થી 8 લાખ મતો ક્ષત્રિયો અને ઠાકોરના છે. એ જ રીતે બનાસકાંઠા બેઠક પર પણ 5 લાખ કરતા વધુ મતો ક્ષત્રિયો અને ઠાકોરના છે. મહેસાણા લોકસભા બેઠક પર પણ ઠાકોર અને ક્ષત્રિયોના મતો 3 લાખ કરતા વધુ છે.

ક્ષત્રિય આંદોલન હવે સામાજિક આંદોલન થઇ જવા પામ્યું છે અને આ આંદોલનની આગને ઠારવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમાં સફળતા મળી રહી નથી અને તેની સીધી અસર ચૂંટણીમાં થાય તેવી સંભાવના છે. જો કે ક્ષત્રિયો મતોની અસર શહેરો કરતા ગામડાંઓમાં વધુ પડે તેમ છે. દરેક ગામડાઓમાં 3થી 4 ક્ષત્રિયના ઘરો આવેલા છે અને ગામડાઓમાં આજે પણ ક્ષત્રિયો મોભાભેર સ્થાન ધરાવે છે. જો ગામલોકો ક્ષત્રિયોનું કહ્યું માને તો ચિત્ર કાંઇક અલગ જ પ્રસ્થાપિત થાય તેમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક