• ગુરુવાર, 16 મે, 2024

ચોટીલા નજીક નર્મદાની લાઇનમાં ભંગાણ : હજારો લીટરનો વેડફાટ

ભંગાણ માટે કોની બેદરકારી અને કોણ જવાબદાર ? તેવા સવાલ ઉઠયા

 

ચોટીલા, તા.29 : રાજકોટ-ચોટીલા હાઇવે પર આવેલી કોલેજ નજીક હાઇવે અને તળાવનાં ચાલતા કામમાં નાળા પાસે આજે વહેલી સવારે વરસાદ વગર જ પાણીની રેલમછેલ થઈ ગઈ હતી.

અહીં નાળાની માટી ભરવામાં કોઇ બેદરકારીને કારણે નર્મદા યોજનાની પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં 30 ફૂટથી વધુ ઉંચો પાણીનો ફૂવારા વછુટયો હતો અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. એક મહિનામાં આ વિસ્તારની લાઇનમાં ત્રીજી વખત ભંગાણ થયાની ચર્ચા વચ્ચે વારંવાર થતાં ભંગાણ માટે કોની બેદરકારી અને કોણ જવાબદાર ? તેવો સવાલ ઉઠયો છે.

એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક લોકો એક બેડાં પાણી માટે રઝળપાટ કરતા હોય છે ત્યારે બીજી તરફ નાનકડી બેદરકારીને કારણે હજારો લીટર વેડફાઈ જાય છે. આવા ભંગાણને કારણે પાણીની વિતરણ વ્યવસ્થા પર પણ અસર થતી હોય છે. હવે આવી બેદરકારી દાખવનાર જવાબદાર સામે પગલા લેવાશે કે તંત્ર દ્વારા તેરી ભી ચુપ ઔર મેરી ભી ચૂપની નીતિ અપનાવાશે ? તે જોવાનું રહે છે.

ઇ-પેપરના નવા શુલ્ક