• ગુરુવાર, 02 મે, 2024

જામનગરના વેપારી સાથે રાજકોટના ત્રણ ભેજાબાજે કરી રૂા.11.18 કરોડની છેતરપિંડી

ખેતીની જણસોની લે-વેંચની નીકળતી રકમ ચૂકતે ન  કરી બોગસ બિલ રજૂ કરી હાથ ઊંચા કરી દીધા..!

જામનગર, તા.17 : જામનગરમાં પારસ સોસાયટીમાં રહેતા હિરેનભાઈ વિજયભાઈ કોટેચા (ઉં.39) ખેતીની જણસોના વેપાર સાથે સંકળાયેલ છે. તેઓ હાપા માર્કેટ યાર્ડ પાસે સેન્ટ્રલ વેરહાઉસની સામે પ્લોટ નં.1/બી સર્વે નં.19માં ઓફિસ ધરાવે છે. આ વેપારીને રાજકોટના મેલી મુરાદવાળા કહેવાતા વેપારીનો ભેટો જઈ જતાં તે મોટી છેતરપિંડીનો ભોગ બન્યા છે.

રાજકોટના જલારામ-02માં રહેતા હેમંત મોહનભાઈ દાવડા અને રવિ હેમંતભાઈ દાવડાએ જામનગરના વેપારી હિરેન વિજયભાઈ કોટેચા સાથે વર્ષ દરમિયાન અલગ-અલગ સમયે ખેત ઉત્પાદનની જણસોની વેચાણ અને ખરીદીના સોદા કર્યા હતા અને લે-વેચના સોદાઓને પગલે હિરેનભાઈને આજદિન સુધી હેમંત દાવડા અને રવિ દાવડા પાસેથી કુલ રૂા.11,18,28,463 લેવાના નીકળતા હતા. આ રૂપિયાની ચુકવણીમાં આરોપીઓએ ઠાગાઠૈયા કરતા જામનગરના વેપારીએ અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરી હતી છતાં પણ આ ઉઘરાણીને ન ગણકારી આરોપીઓએ લેણી રકમ ચૂકવી ન હતી. ઉપરાંત અન્ય ત્રીજા શખસ રાજકોટ ખાતે રહેતા પલક કિરીટભાઈ રૂપારેલે જામનગરના વેપારીને વોટસએપમાં પાંચ કરોડ, અઠયાવીસ લાખ, છવીસ હજાર, એકોતેર રૂપિયા ચૂકવી દીધા હોવાનું એટલે કે આર.ટી.જી.એસ.થી જમા કરાવ્યા હોવાની ત્રણ બનાવટી પહોંચો અને ખોટું બેન્ક સ્ટેટમેન્ટ પણ મોકલી દીધું હતું.

 આમ રૂપિયા ચાઉં કરી જવાના ઈરાદે આરોપી હેમંત દાવડા અને રવિ દાવડા અને પલકભાઈએ જામનગરના વેપારી હિરેન કોટેચાની લેણી નીકળતી રકમ તેણે ન ચૂકવવાના ઈરાદે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં ખોટાં ડોક્યુમેન્ટ  બનાવી અને બેન્ક ખાતામાં નાણાં મોકલ્યા અંગેની ખોટી પહોંચ બનાવી ત્રણે આરોપીએ રૂા.11,18,28,463ની છેતરપિંડીનો મામલો પોલીસ મથકે પહોંચતા આ ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપી સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક