• બુધવાર, 01 મે, 2024

જામજોધપુરના નિવૃત્ત તલાટી દ્વારા જમીન ખરીદવાની લાલચ આપી રૂ.11 લાખની ઠગાઈ

મહિલાને રોકડના બદલામાં સિક્યુરિટી પેટે આપેલ સોનું પણ નકલી નીકળ્યું

જામનગર, તા.17 : જામનગર જિલ્લાના જામજોધપુરમાં સગરા ચકલા પાસે રહેતા અને ઘરકામ તથા ખેતીકામ કરતા અંજનાબેન નટુભાઈ ખાંટ (ઉં.45) નિવૃત્ત તલાટીમંત્રી ચિમનભાઈ ખાંટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યા અનુસાર ચિમનભાઈએ અંજનાબેનને ભાગીદારીમાં ખેતીની જમીન ખરીદવાનો ભરોસો આપ્યો હતો. બાદમાં પ્રથમ ઓગસ્ટ 2018માં રૂપિયા સાત લાખ તથા જમીનના સોદાખત કરવા માટે સુથીની રકમ આપવા માટે તા.5-12-2020ના રોજ રૂ.બે લાખ મેળવી લીધા હતાં. બાદમાં તા.28-3-21ના રૂ.બે લાખ જમીન ખરીદવાના સોદાખત કરવા માટે સેરવી લીધા હતાં.આમ જુદા-જુદા બહાના હેઠળ કુલ રૂ.11 લાખ જેવી મોટી રકમ સેરવી લીધી હતી. બાદમાં ખેતીની જમીન આરોપીના પુત્ર આશિષ ખાંટના નામે કરી લઈ તેમજ ડેરીની જમીનનો દસ્તાવેજ તેના જમાઈના નામે કરી લીધો હતો જે અંગે અંજનાબેનને જાણ થતા  તેઓએ તેને આપેલી રકમ પરત માંગી હતી ત્યારે નિવૃત્ત તલાટીએ હાલ પૈસાની વ્યવસ્થા નથી તેમ કહી રકમની સિક્યુરિટી માટે તેઓએ સોનાના દાગીનાઓ અંજનાબેનને આપ્યા હતા અને કહેલ કે જયારે રૂપિયા પરત આપે ત્યારે દાગીના આપી દેવાના. બાદમાં અંજનાબેનને અજુગતુ લાગતા તેઓએ સોનાના દાગીનાની ખાતરી કરાવી હતી જેમાં આ તમામ દાગીના ખોટા હોવાનું ભોપાળુ બહાર આવેલ હતું. ઇાદમાં આ તમામ દાગીના ખોટા હોવાનું જણાવતા આરોપીને દાગીના ખોટા હોવાની વાત કરતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ભુંડી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી અંજનાબેને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ચિમનભાઈ ખાંટ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક