• શુક્રવાર, 18 ઑક્ટોબર, 2024

દ્વારકામાં કનૈયાધામ ગૌશાળામાં સંચાલકોની બેદરકારીથી 15 ગૌવંશના મોત : 9 ગંભીર

ગૌ સેવકોમાં રોષની લાગણી : દોષીતો સામે ગુનો નોંધવા ફરિયાદ

દ્વારકા , તા.26: દ્વારકાના ચરકલા રોડ પર આવેલી કનૈયાધામ ગૌશાળામાં સંચાલકોની બેદરકારીના લીધે ગૌવંશના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. ગૌસેવકોને જાણ થતા સુરભી માધવ ગૌશાળાના પ્રમુખ હાર્દિક વાયડા સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જીવન-મરણ વચ્ચે અટવાયેલા 13 ગૌવંશને તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરી સારવાર કરી બચાવ કામગીરી કરી હતી. આ દરમ્યાન 11 જેટલાં ગૌવંશો મૃત હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે સારવાર દરમ્યાન વધુ 4 ગૌવંશોના મોત થતાં મૃતાંક 15 પર પહોંચ્યો હતો. હાલમાં સારવાર લઈ રહેલા ગૌવંશ પૈકી મોટા ભાગના ક્રિટીકલ સ્થિતિમાં છે.

આ બનાવના પગલે સુરભી માધવ ગૌશાળાના પ્રમુખ હાર્દિક વાયડા તથા અન્ય ગૌસેવકો સાથે મળીને કનૈયાધામ ગૌશાળાના સંચાલકો વિરૂધ્ધ એનીમલ કુઅલ્ટી એકટની જોગવાઈ મુજબનો ગુન્હો નોંધી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા દ્વારકા પીઆઈને ફરિયાદ કરી છે. તમામ મૃતક ગૌવંશને ખંભાળીયા તથા જામનગરની એફ.એસ.એલ. ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જે અંગેનો રિપોર્ટ ટુંક સમયમાં આવશે. ફરીયાદમાં જણાવ્યા મુજબ કનૈયાધામ ગૌશાળાના સંચાલકોને ટેલીફોનિક જાણ કરી પરંતુ તેમના તરફથી ઉડાઉ તથા બેદરકારીભર્યા જવાબ આપવામાં આવ્યા હતા. સંચાલકોના બેદરકારીભર્યા વલણને કારણે હાલ નિર્દોષ અને અબોલ પશુને જાનહાનિ થયેલી હોય અને 15 જેટલા ગૌવંશ ભુખમરાના કારણે મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક